ભારતની અન્ડર 19 ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને એશિયા કપ જીત્યો છે. આજે રમાયેલી ફાઈનલમાં અન્ડર 19 ટીમે શ્રીલંકાને 144 રને માત આપી અને છઠ્ઠીવાર અંડર 19 એશિયા કપ પર કબ્જો જમાવ્યો. અંડર 19 ભારતીય ટીમે આ અગાઉ 2016, 2014, 2012 (પાક સાથે સંયુક્ત રીતે), 2003 અને 1989માં આ  ખિતાબ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીરપુરના શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને 304 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 38.4 ઓવરોમાં 160 રન પર સમેટાઈ ગઈ. ભારત તરફથી સ્પિનર હર્ષ ત્યાગીએ સૌથી વધુ 6 વિકેટ લીધી. 


અંડર 19 ભારતીય ટીમ તરફથી પાંચમાંથી ચાર બેટ્સમેને અડધી સદી ફટકારી, ઓપનિંગ પેર યશસ્વી જેસવાલ (85), અનુજ રાવત (57) ઉપરાંત વિકેટકિપર બેટ્સમેન તથા કેપ્ટન સિમરન સિંહ (અણનમ 65) અને આયુષ બદોની (અણનમ 52)એ મહત્વનું યોગદાન આપ્યું હતું. 



ભારતીય ટીમે એક સમયે 45 ઓવરોમાં 3 વિકેટે 225 રન કરી નાખ્યા હતાં. પરંતુ છેલ્લી પાંચ ઓવરોમાં સિમરન સિંહ અને આયુષ બદોની 79 રનની મદદથી સ્કોર 300ને પાર પહોંચ્યો. સિમરને 37 બોલની ઈનિંગમાં 4 છગ્ગા, જ્યારે બદોનીએ 28 બોલની ઈનિંગમાં તાબડતોબ 5 છગ્ગા માર્યા હતાં. 


આ અગાઉ યશસ્વી અને અનુજની જોડીએ ભારતને શાનદાર શરૂઆત આપી હતી અને બંનેએ 121 રનની ભાગીદારી કરી હતી. ભારતની અંડર 19ની ટીમ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 2 રને હરાવીને એશિયાકપની ફાઈનલમાં પહોંચી હતી. 


જવાબમાં શ્રીલંકાએ સતત નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવી. નિશાન મુદુસખા ફર્નાન્ડોએ 49 રન કર્યાં. હર્ષ ત્યાગીએ 10 ઓવરોમાં 38 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સિદ્ધાર્થ દેસાઈએ 2 વિકેટ લીધી. મોહિત જાંગડાએ એક વિકેટ જ્યારે એક ખેલાડી રન આઉટ થયો હતો.