આર અશ્વિને સોશિયલ મીડિયામાં એવી તે શું પોસ્ટ મૂકી કે સૌરાષ્ટ્ર ક્રિકેટની ફજેતી થઈ, લોકોએ લીધી મજા
India vs England, 3rd Test, Rajkot: ભારતીય ટીમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ દરમિયાન આજે ભારતીય ક્રિકેટર આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર મજા લીધી હતી.
India vs England, 3rd Test, Rajkot: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પૈકીની ત્રીજી ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. તેના માટે ટીમ ઈન્ડિયાનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. ત્યારે ભારતીય ક્રિકેટર આર અશ્વિને X પર એક પોસ્ટ બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર લોકોએ બરાબરની મજા લીધી હતી.
ભારતીય ક્રિકેટર આર અશ્વિને ટ્વીટર પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ અને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મીડિયા બોક્સનો ફોટો એક સાથે X પર પોસ્ટ કર્યો છે. જેમાં એક તરફ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનું વર્લ્ડ ક્લાસ મીડિયા બોક્સ છે તો બીજી તરફ SCA સ્ટેડિયમનું મોટું કપડું ઢાંકીને કામ કરાઇ રહ્યું છે તે મીડિયા બોક્સ છે.
તમને જણાવી દઈએ કે, ગત 26 નવેમ્બરે રાજકોટમાં ભારે પવન ફુંકાવાને કારણે રાજકોટ મીડિયા બોક્સને મોટું નુકસાન થયું હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે 2-2 મહિના બાદ પણ મીડિયા બોક્સનું હજુ સમારકામ પત્યું કેમ નથી? SCA સ્ટેડિયમનું મીડિયા બોક્સ લોર્ડ્સના મીડિયા બૉક્સથી પ્રેરિત થઈને બનાવાયું છે, ત્યારે અશ્વિનના આ ટ્વીટથી દુનિયાભરમાં SCA મજાકને પાત્ર બન્યું છે.
મહત્વનું છે કે, રાજકોટ ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ પહોંચી ચૂકી છે. જ્હોની બેરસ્ટો, જીમી એન્ડરસન, જો રૂટ, માર્ક વૂડ, રેહાન અહેમદ, બેન સ્ટોક્સ, જેક ક્રોલી સહિતના ક્રિકેટરો રાજકોટ પહોંચ્યા છે. આગામી 15થી 19 ફેબ્રુઆરીએ ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે, ત્યારે આવતીકાલે બંને ટીમ નેટ પ્રેક્ટિસ કરશે.