કોમનવેલ્થ ટેબલ ટેનિસઃ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ ચેમ્પિયન
પુરૂષ ટીમે કટકના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ફાઇનલમાં ઈંગ્લેન્ડને 3-2થી પરાજય આપીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. મહિલા ટીમે પણ ઈંગ્લેન્ડને 3-0થી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીય ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા 21મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરૂષ તથા મહિલા વર્ગનું ટાઇટલ જીતી લીધું છે. પુરૂષ ટીમે કટકના વાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ફાઇનલમાં ઈંગ્લેન્ડને 3-2થી પરાજય આપીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. મહિલા ટીમે પણ ઈંગ્લેન્ડને 3-0થી હરાવીને પ્રથમવાર ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
ભારતીય ટીમે સેમિફાઇનલમાં સિંગાપુરને 3-0થી પરાજય આપ્યો હતો. સતત આઠ વખત ટાઇટલ જીતનારી સિંગાપુરની મહિલા ટીમ 1997થી આ ટ્રોફી પોતાના નામે કરતી આવી રહી છે.
ભારતીય પુરૂષ ટીમે સતત બીજીવાર ટાઇટલ જીત્યું છે. ટીમે આ પહેલા સૂરતમાં 2015મા આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સિવાય તેણે પોતાનું પ્રથમ ટાઇટલ 2004મા કુઆલાલમ્પુરમાં જીત્યું હતું.
મહિલા વર્ગમાં અર્ચના કામતે શાનદાર શરૂઆત કરી અને હો ટિન ટિનને પરાજય આપ્યો હતો. ત્યારબાદ મનિકા બત્રાએ ડેનિસ પાયેટ અને મધુરિકા પાટકરે એમિલી બાલ્ટનને પરાજય આપીને ભારતીય ટીમને ઈંગ્લેન્ડ પર 3-0થી ટાઇટલ અપાવ્યું હતું.
પુરૂષ વર્ષમાં પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહેલા હરમીત દેસાઈએ ન માત્ર ભારતને ટાઇટલ ગુમાવવાથી બચાવ્યું, પરંતુ મેચમાં શાનદાર વાપસી કરીને ભારતને ચેમ્પિયન પણ બનાવી દીધું હતું.
ભારતીય ટીમે ફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અચંત શરત કમલ અને જી. સાથિયાનના પરાજય બાદ 0-2થી પાછળ ચાલી રહી હતી. પરંતુ હરમીતે પછી ડેવિડ મૈક્બીથને હરાવીને ભારતને મેચમાં વાપસી કરાવી હતી. હરમીતની આ જીત બાદ સાથિયાન અને અચંતે પોત-પોતાના મુકાબલા જીતીને ઈંગ્લેન્ડને 3-2થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.