નવી દિલ્હીઃ આંગળીની ઈજાને કારણે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે શ્રેણીમાં નહીં રમે. ઓફ સ્પિનર વોશિંગટન સુંદર પણ ઈજાને કારણે ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહને આયર્લેન્ડ વિરુદ્ધ ટી20 શ્રેણીના પ્રથમ મેચમાં ઈજા થઈ હતી અને સુંદર મલાહાઇડમાં ભારતના પ્રથમ ટ્રેનિંગ સત્ર દરમિયાન ફુટબોલ રમવા સમયે ઈજા થઈ હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બુમરાહ 1 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા ફીટ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાના ફોર્મેટમાં બુમરાહના પ્રદર્શન અને ફોર્મને જોતા આ ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો કહી શકાય. બુમરાહ વિશે જાણકારી આપનારા એક સૂત્રએ કહ્યું, સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં તેનું પ્રદર્શન સારૂ હતું અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી પહેલા ફીટ થઈ જશે. 


બુમરાહના સ્થાને મુંબઈના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર કે રાજસ્થાનના દીપક ચહરને ટીમમાં સ્થાન મળી શકે છે. બંન્ને આઈપીએલની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સમાં હતા અને પછી ઈન્ડિયા એ ટીમની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. 


ભારત ઈંગ્લેન્ડમાં ત્રણ ટી20, ત્રણ વનડે અને 5 ટેસ્ટ મેચ રમશે. ટીમ મેનેજમેન્ટ આ શ્રેણીને વિશ્વકપની તૈયારીના ભાગરૂપે જોઈ રહ્યું છે, જે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાશે.