IND vs AUS: ગાબા ટેસ્ટમાં ભારતને પ્લેઈંગ XIમાં થઈ શકે છે બે ફેરફાર, શું રોહિત કરશે ઓપનિંગ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ગાબામાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે. રોહિત શર્મા પોતાના બેટિંગ ઓર્ડરની સાથે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે. તો આર અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ શકે છે.
AUS vs IND: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો બ્રિસ્બેનમાં રમાવાનો છે. એડિલેડ ટેસ્ટ હારી આ સિરીઝ 1-1થી બરોબર છે. બંને ટીમની નજર ગાબા ટેસ્ટ જીતી સિરીઝમાં સરસાઈ મેળવવા પર હશે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી છે. યજમાન ટીમમાં એકમાત્ર ફેરફાર જોશ હેઝલવુડના રૂપમાં થયો છે, જે સ્કોટ બોલેન્ડની જગ્યા લેશે. તેવામાં ભારતીય ફેન્સની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર છે.
પર્થ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે એડિલેડ ટેસ્ટમાં વાપસી કરતી વખતે ભારતીય કેપ્ટને પોતાનું ઓપનિંગ સ્થાન છોડી દીધું હતું. જો કે, તે નંબર-6 પર કશું જ કરી શક્યો ન હતો અને બંને દાવમાં સંયુક્ત રીતે માત્ર 9 રન જ ઉમેરી શક્યો હતો.
તેવામાં હવે સંભાવના છે કે હિટમેન ગાબા ટેસ્ટમાં પોતાની નિયમિત પોઝિશન પર રમતો જોવા મળશે. તો છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાં ફ્લોટર રમી રહેલો કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે.
કેએલ રાહુલના મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાથી ટીમને વધુ ફાયદો થઈ શકે છે. રાહુલ ન માત્ર વિકેટ પર વધુ સમય પસાર કરી ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કરી શકે છે, સાથે ટેલને એક્સપોઝ થવાથી બચાવી શકે છે.
આ સિવાય ગાબા ટેસ્ટમાં ભારત પોતાની બેટિંગ મજબૂત કરવા માટે રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. પ્રથમ ટેસ્ટમાં વોશિંગટન સુંદર અને બીજી ટેસ્ટમાં આર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. પરંતુ બંને સ્પિનર ખાસ કમાલ કરી શક્યા નહીં. જાડેજા એક છેડે સતત બોલિંગ કરી બીજા છેડે કેપ્ટનને પોતાના બોલર્સ રોટેટ કરવાનો સારો વિકલ્પ આપી શકે છે.
તો બોલિંગ યુનિટમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. હર્ષિત રાણા માટે એડિલેડ ટેસ્ટ નિરાશાજનક રહી હતી. તેવામાં રોહિત શર્મા આકાશદીપને તક આપી ફાસ્ટ બોલિંગ વિભાગને વધુ મજબૂત કરવા ઈચ્છશે.
ગાબા ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ XI- રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નીતીશ રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશદીપ.