T20 World Cup: ટી20 વિશ્વકપનો `મહામુકાબલો`, દુબઈમાં ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચે ટક્કર
આજે સમગ્ર ક્રિકેટ દર્શકોની નજર દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર હશે. વર્ષ 2021ના સૌથી મોટા ક્રિકેટ મુકાબલા માટે ભારત અને પાકિસ્તાનની ટીમ તૈયાર છે. આઈસીસી ટી20 વિશ્વકપમાં ક્યારેય પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતી શકી નથી.
દુબઈઃ ક્રિકેટ જગતની વર્તમાન પેઢીના કેટલાક દિગ્ગજોના સિતારાથી ભરેલી ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં આજે અહીં રમાનાર મહા મુકાબલામાં યુવા અને અનુભવનું મિશ્રણ ધરાવતી પાકિસ્તાન ટીમ સામે ઉતરશે. વિરાટ કોહલીની ટીમની નજર પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને પરાજય આપી વિશ્વકપમાં વિજયી શરૂઆત કરવા પર હશે.
ઉત્સાહ છે આસમાને
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની કોઈપણ ટૂર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે કારણ કે બંને દેશો વચ્ચે સંબંધોની સંવેદનશીલ પ્રકૃતિને જોતા તેમાં ખુબ ઓછી ખેલ ગતિવિધિ થાય છે. તેવામાં જ્યારે કોઈ આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આમને-સામને હોય છે તો દર્શકોનો ઉત્સાહ આસમાને હોય છે.
ભારત-12, પાકિસ્તાન-2
જો આઈસીસીના વનડે અને ટી20 વિશ્વકપની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તમામ 12 મેચમાં જીત મેળવી છે. ટી20 વિશ્વકપની 2007માં શરૂઆત થયા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ મેચમાં પરાજીત કરી છે અને વિરાટ કોહલીની ટીમ આ વિજય અભિયાન જારી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
મેન્ટોર ધોની દેખાડશે માર્ગ
ભારતે ટી20 વિશ્વકપમાં તમામ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં જીતી છે જે મેન્ટોર તરીકે કોહલીનો સાથ આપવા માટે અહીં છે. ધોનીની હાજરી બાબર આઝમ અને તેના ખેલાડીઓની ચિંતા વધારવા માટે પર્યાપ્ત છે. છતાં આ એક એવી મેચ છે જેની કરોડો લોકો રાહ જોતા હોય છે.
નાનું ફોર્મેટ, મોટો રોમાંચ
આઈસીસીથી લઈને પ્રસારક સુધી આ મેચથી મોટી કમાણી પર ધ્યાન આપે છે તો પ્રશંસકોની ભાવનાઓ જોડાયેલી હોય છે. પરંતુ ટી20 ફોર્મેટ એવુ છે જેમાં કોઈપણ ટીમની જીત નક્કી ન માની શકાય.
એક ખેલાડી પલટી શકે છે મેચનું પરિણામ
સુનીલ ગાવસ્કર અથવા સૌરવ ગાંગુલી, દરેક જે આ રમતને સારી રીતે સમજે છે તે જાણે છે કે આ ફોર્મેટમાં બે ટીમો વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે અને કોઈપણ એક ખેલાડી તેની ટીમને વિજય તરફ દોરી શકે છે. તે કોહલી પણ હોઈ શકે છે જે આ મેચમાંથી ફોર્મમાં પરત ફરવા માટે મક્કમ હશે. તે શાહીન શાહ આફ્રિદી પણ હોઈ શકે છે જે ભારતીય ટોપ ઓર્ડર પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. તે મોહમ્મદ રિઝવાન અથવા મોહમ્મદ શમી અથવા સૂર્યકુમાર યાદવ હોઈ શકે છે.
એક ભૂલ પડી શકે છે ભારે
ખેલાડી બલે કહે છે કે આ તેના માટે એક મેચની જેમ છે પરંતુ તે વાતને સારી રીતે જાણે છે કે તકનીકના આ જમાનામાં તેનું ખરાબ પ્રદર્શન વર્ષો સુધી ખુંચતુ રહેશે.
પાકિસ્તાન પર વધુ દબાવ
વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટર પાછલી મેચના સહારે આગળ વધવા કે કોઈ પ્રકારના દબાવમાં આવનારા ખેલાડીઓમાં સામેલ નથી. ભારતની તુલનામાં પાકિસ્તાન પર વધુ દબાવ બશે.
શું કરશે પાકિસ્તાન
શાહીન આફ્રિદી, રિઝવાન, હારિસ રઉફ અને બાબર જેવા ખેલાડીઓ પર ન માત્ર એક વિશ્વસ્તરીય ટીમ વિરુદ્ધ વિશ્વકપ સાથે જોડાયેલ મિથક તોડવાની જવાબદારી છે પરંતુ તેણે પાકિસ્તાનને લઈને ક્રિકેટ જગતની ધારણા પણ બદલવી પડશે જેના કારણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે હાલમાં પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન ક્રિકેટ પર અસ્તિત્વનું સંકટ છવાયેલું છે અને તેવામાં ભારત વિરુદ્ધ મેચ થોડી રાહત આપી શકે છે પરંતુ તે સરળ રહેશે નહીં.
શું પંડ્યા કરશે બોલિંગ
જો હાર્દિક પંડ્યા માત્ર બેટરના રૂપમાં રમે છે તો ભારતની મુશ્કેલી છઠ્ઠા બોલરને લઈને હશે. બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ, શમી, રવિન્દ્ર જાડેજા અને વરૂણ ચક્રવર્તીનું સ્થાન નક્કી છે. ભુવનેશ્વર કુમારના અનુભવથી તેને શાર્દુલ ઠાકુર પર પ્રાથમિકતા મળી શકે છે. જો વધારાના સ્પિનરની જરૂર પડશે તો રવિચંદ્રન અશ્વિનને રાહુલ ચાહર પર પ્રાથમિકતા મળશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ ચોંકાવનારી પસંદગી પણ કરી શકે છે.
પાકિસ્તાનનો બોલરો પર દારોમદાર
જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે તો તેનો મુખ્ય ખેલાડી કેપ્ટન બાબર છે, જે ત્રણે ફોર્મેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે. તેને બોલિંગમાં શાહીન આફ્રિદી પાસે યોગ્ય સહયોગની જરૂર રહેશે. ડાબા હાથના સ્પિનર ઇમાદ વસીમનો યૂએઈમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તેવામાં ભારતીય મધ્યમક્રમને મુશ્કેલી પડી શકે છે. અનુભવી શોએબ મલિક અને મોહમ્મદ હાફીઝ પણ ભારત સામે બદલો લેવા આતૂર હશે.
ભારત સામે મેચ પહેલા પાકે જાહેર કરી ટીમ
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફ્રીદી, હસન અલી, હરીસ રઉફ, હૈદર અલી.
ભારતની સંભવિત ઇલેવનઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને વરૂણ ચક્રવર્તી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube