ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ચીન સામે મુકાબલો ડ્રો, ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં
ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં જાપાન સામે ટકરાશે. ચીને ફાઇનલમાં પહોંચવા માટે જીતની જરૂર હતી પરંતુ ભારતીય ડિફેન્સે શાનદાર પ્રદર્શન કરીને તેના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
ટોક્યોઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રભાવશાળી પ્રદર્શન બાદ ભારતીય મહિલા હોકી ટીમે મંગળવારે અહીં ચીન સામે ગોલરહિત ડ્રો રમીને ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. ભારતીય ટીમ પ્રથમ ક્વાર્ટરમાં સારા લયમાં દેખાઈ રહી હતી અને તેણે ચીનના ડિફેન્સ પર સતત દબાવ બનાવ્યો હતો. વિશ્વમાં 10મા નંબરની ભારતીય મહિલા ટીમને આઠમી મિનિટમં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ગુરજીત કૌર ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
ભારતે બીજા ક્વાર્ટરમાં પણ આક્રમક શરૂઆત કરી અને તેણે 17મી મિનિટમાં બીજો પેનલ્ટી કોર્નર હાસિલ કર્યો હતો. ગુરજીતના પ્રયાસને ફરી ચીની ગોલકીપર ડોંગઝિયાઓ લીએ નિષ્ફળ કરી દીધો હતો. ચીને ફાઇનલમાં પહોંચવા માટે જીતની જરૂર હતી પરંતુ ભારતીય ડિફેન્સે તેના દરેક હુમલાને નિષ્ફળ કરવામાં કોઈ કસર ન છોડી.
ભારતીય મહિલા ટીમ ત્રણ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે ટોપ પર રહી અને હવે બુધવારે ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની 14મા નંબરની ટીમ જાપાન સામે થશે. ત્રીજા અને ચોથા સ્થાન માટે ચીન અને ઓસ્ટ્રેલિયા ટકરાશે.