એશિયાડઃ 20 વર્ષ બાદ ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમ, SFમાં ચીનને હરાવ્યું
ભારતની હોકી ટીમે માત્ર એકવાર 1982માં મહિલા હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જકાર્તાઃ ભારતીય મહિલા હોકી ટીમે બુધવારે એશિયન ગેમ્સના મુકાબલામાં ત્રણ વખતની ચેમ્પિયન ચીનને 1-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ 1998ના બેંગકોંગ એશિયન ગેમ્સ બાદ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે. ભારત તરફથી ગુરજીત કૌરે મેચની 52મી મિનિટે પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ કર્યો હતો. ભારતની હોકી ટીમે માત્ર એકવાર 1982માં મહિલા હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
1982માં નવી દિલ્હી એશિયન ગેમ્સમાં પ્રથમવાર મહિલા હોકીને સામેલ કરવામાં આવી હતી. ત્યારે ભારત અને જાપાન વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. જાપાને પાંચ વખતની ચેમ્પિયન સાઉથ કોરિયાને 2-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારત અને ચીન વચ્ચે રમાયેલી આ સેમીફાઇનલમાં આક્રમક હોકી જોવા ન મળી. બંન્ને ટીમો મેદાન પર તક મેળવવામાં અસફળ રહી હતી.
ભારતીય ટીમના કોચ શોર્ડ મારિને કહ્યું, ભારતીય ટીમ પ્રથમ હાફમાં પોતાની ક્ષમતાઓ વિરુદ્ધ રમતી જોવા મળી હતી. બીજા હાફમાં ભારતે પોતાની રમતમાં ઘણો સુધાર કર્યો અને તેની અસર પણ જોવા મળી અને હું ટીમ માટે ઘણો ખુશ છું. મને ખ્યાલ છે કે તેણે આ ગેમ્સ માટે ખૂબ તૈયારી કરી હતી. જાપાન અમારા માટે મુશ્કેલ પડકાર હશે પરંતુ અમે તેના માટે તૈયાર છીએ.
ભારતને મેચની 8મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ગુરજીતના શોટને ગોલકીપરે રોકી લીધો હતો. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરવાના ચાર અવસર બનાવ્યા પરંતુ ગોલ કરી શક્યું ન હતું. ભારતીય ટીમ 13મી મિનિટમાં ગોલ કરવાની ખૂબ નજીક પહોંચી પરંતુ નવજોત ડિફ્લેક્શનને ગોલમાં પરિવર્તિન ન કરી શકી. 18મી મિનિટમાં ચીનને પણ પેનલ્ટી કોર્નર મળ્યું પરંતુ જિશિયા ઓઉ પણ ગોલ ન કરી શકી. 29મી મિનિટમાં મોનિકા ગુરજીતની પાસને પકડી ન શકી બાકી આ ચીન માટે મુશ્કેલ સાબિત થઈ શક્યું હોત.
નેહા ગોયલને આ વચ્ચે ગ્રીન કોર્ડ દેખાડવામાં આવ્યું હતું. ભારતને ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ગુજરીત ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. 39મી મિનિટમાં ગુરજીતને ફરી એક પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આ વખતે પણ તક ગુમાવી દીધી હતી. ત્રીજા ક્વાર્ટર સુધી બંન્ને ટીમો 0-0ની બરોબરી પર હતી. ચોથા ક્વાર્ટરમાં એક બાદ એક ત્રણ પેનલ્ટી કોર્નર ભારતને મળ્યા. અંતમાં મેચની 52મી મિનિટમાં ગુરજીતે ગોલપોસ્ટની ડાબી બાજુ હુમલો કર્યો અને તેમાં તેને સફળતા મળી હતી.