લંડનઃ પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની હરાવવાની તક ગુમાવનાર ભારતીય મહિલા હોકી ટીમ પોતાની ભૂલમાંથી બોધપાઠ લઈને વર્લ્ડ કપમાં કાલે નીચલી રેન્કિંગ ધરાવતી આયર્લેન્ડને હરાવીને પ્રથમ જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે. ગ્રુપ-બીના પ્રથમ મેચમાં ભારતે વિશ્વની બીજા નંબરની ટીમ ઈંગ્લેન્ડ સામે 1-1થી ડ્રો રમ્યો. રમતની 54મી મિનિટમાં એક ગોલથી લીડ બરકરાર રાખવા છતાં ભારતે અંતિમ ક્ષણોમાં બરોબરીનો ગોલ ગુમાવી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ રેન્કિંગમાં 10માં સ્થાને રહેલી ભારતીય ટીમનો સામનો હવે 16મી રેન્કિંગવાળી આયર્લેન્ડ સામે છે, પરંતુ ભારતીય ટીમ તેને હળવાશથી લેશે નહીં. સાતમી રેન્કિંગ ધરાવનાર અમેરિકાને 3-1થી હરાવીને આયર્લેન્ડ હાલમાં ગ્રુપ-બીમાં ટોપ પર છે. આયર્લેન્ડ જો આ મેચ જીતી જશે તો નોકઆઉટમાં તેનું સ્થાન નક્કી થઈ જશે. 


બીજીતરફ ભારતે ગુરૂવારે રમાનારી મેચ કોઇપણ ભોગે જીતવી પડશે. ભારતને ગત વર્ષે જોહનિસબર્ગમાં હોકી વિશ્વ લીગ સેમીફાઇનલમાં આયર્લેન્ડે 2-1થી પરાજય આપ્યો હતો. રાની રામપાલની આગેવાનીમાં ટીમ આ હારનો બદલો લેવા ઉતરશે. ભારતીય સહયોગી સ્ટાફ અને ગોલકીપર સવિતાનું માનવું છે કે તે હાર ભૂતકાળની વાત છે અને તેની ટીમ આયર્લેન્ડને હરાવી શકે છે. તેણે કહ્યું, ગત વર્ષે મેચમાં પણ અમે આગળ હતા, પરંતુ બે પેનલ્ટી કોર્નર ગુમાવવા ભારે પડ્યા. અમારૂ ડિફેન્સ મજબૂત છે અને અમે આક્રમક હોકી રમીએ છીએ જેનાથી અમારી ટીમ ખૂબ મજબૂત થઈ છે. 


ભારતીય ટીમે પોતાની રમતમાં સુધારા સાથે ઉતરવું પડશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકપણ પેનલ્ટી કોર્નર ન બનાવી શકી. ગોલકીપર સવિતાએ ઘણા બોલ બચાવ્યા હતા. ઈંગ્લેન્ડને મેચમાં છ પેનલ્ટી કોર્નર મળ્યા હતા જેમાં અંતિમ પર રિબાઉન્ડમાં ગોલ થઈ શક્યો. ભારત આયર્લેન્ડ વિરુદ્ધ જીતશે તો ટોપ પર પહોંચી જશે. તેણે 29 જુલાઈએ અમેરિકા વિરુદ્ધ અંતિમ લીગ મેચ રમવાની છે. બીજા મેચમાં સ્પેન ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે.