Asian Games 2018: ભારતે બ્રીજમાં જીત્યા બ્રોન્ઝ મેડલ, મિક્સ્ડ અને પુરૂષ ટીમે મારી બાજી
આ સ્પર્ધામાં ભારત સિવાય ચીન પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરવામાં સફળ રહ્યું છે.
જકાર્તાઃ ભારતની મિક્સ અને પુરૂષ ટીમે 18મી એશિયન ગેમ્સના આઠમાં દિવસે રવિવારે બ્રીજમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. કિરણ નાદર, સત્યનારાયણ બાચીરાજૂ, હેમા દેવરા, ગોપીનાથ મન્ના, હુમાની ખંડેલવાલ અને રાજીવ ખંડેલવાલે મિક્સની ટીમના સેમીફાઇનલમાં થાઇલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મિક્સ્ડ ટીમ સેમીફાઇનલ-1માં 69.67ની સાથે પ્રથમ, સેમીફાઇનલ-2માં 88.67ની સાથે બીજા અને સેમીફાઇનલ-3માં 109.67ની સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભારત સિવાય ઈન્ડોનેશિયાને પણ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
મિક્સ્ડ ટીમ સિવાય જગ્ગી શિવદાસાની, રાજેશ્વર તિવારી, સુમિત મુખર્જી, દેબાબ્રત મજૂમદાર, રાજૂ તોલાની અને અજય ખડેની પુરૂષ ટીમનો સિંગાપુર સામે પરાજય થયો હતો. ભારતીય પુરૂષ ટીમે સેમીફાઇનલ-1માં 25.67ની સાથે ચોથા, સેમીફાઇનલ-1માં 66.67ની સાથે ત્રીજા અને સેમીફાઇનલ-3માં 93.67ની સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું.
આ સ્પર્ધામાં ભારત સિવાય ચીન પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરવામાં સફળ રહ્યું હતું. બ્રીજ ગેમ્સને પ્રથમવાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે.