જકાર્તાઃ ભારતીય મહિલા એથલીટ દુતી ચંદે 18મી એશિયન ગેમ્સના આઠમાં દિવસે રવિવારે 100 મીટર રેસમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. દુતીએ ફાઇનલમાં 11.32 સેકન્ડની સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. દુતીએ સેમીફાઇનલમાં 11.43 સેકન્ડનો સમય લઈને ત્રીજું સ્થાન હાસિલ કર્યું અને ફાઇનલ માટે ક્વોલીફાઇ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહરીનની ઇડિડોંગ ઓડિયોંગે 11.30 સેકન્ડના સમયની સાથે ગોલ્ડ મેડલ જીતી. ચીનની વેંગલી યોઈએ 11.33 સેકન્ડની સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. દુતી માત્ર 0.2 સેકન્ડના અંતરથી ગોલ્ડ ચુકી ગઈ હતી. 


18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 36 છે. 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલની સાથે મેડલ ટેલીમાં 9માં સ્થાન પર છે. 


હિમા દાસને સિલ્વર
ભારતની હિમા દાસે મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. હિમાએ જીબીકે મેન સ્ટેડિયમમાં રવિવારે આયોજીત ફાઇનલમાં 50.79 સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. 


બહરીનની સલ્વા નાસિરને 50.09 સેકન્ડની સાથે ગોલ્ડ મળ્યો હતો. આ નવો એશિયન રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ કઝાકિસ્તાનની એલિનિ મિખિનાને મળ્યો જેણે 52.63 સેકન્ડમાં રેસ પુરી કરી હતી. 


આ સ્પર્ધામાં સામેલ ભારતની એક અન્ય એથલીટ નિર્મલાને ચોથું સ્થાન મળ્યું છે. નિર્મલાએ 52.96 સેકન્ડનો સમય લીધો હતો. 


અનસે 400 મીટરમાં જીત્યો સિલ્વર મેડલ
દોડવીર મોહમ્મદ અનસ યાહિયાએ 400 મીટર સ્પર્ધાની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. અનસે 45.69 સેકન્ડમાં રેસ પુરી કરીને બીજુ સ્થાન મેળવ્યું હતું. કતરના અબ્દાલેહ હસને 44.89 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બહરીનના અલી ખામિસે 45.70 સેકન્ડની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનસ સિવાય ભારતનો વધુ એક દોડવીર રાજીવ 45.84 સેકન્ડ સાથે ચોથા ક્રમે રહ્યો હતો.