જકાર્તાઃ ભારત માટે ઈન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટ ટૂર્નામેન્ટમાં શુક્રવારનો દિવસ ખરાબ રહ્યો હતો. પુરૂષ ખેલાડી કિદામ્બી શ્રીકાંત અને મહિલા ખેલાડી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયા પરંતુ સાઇના નેહવાલે સેમીફાઇનલમાં પ્રવેશ કરીને ભારતીય પડકારને ટૂર્નામેન્ટમાં જાળવી રાખ્યો છે. સિંધુ ફરી એકવાર સ્પેનની કૈરોલિના મારિન સામે હારી ગઈ જ્યારે શ્રીકાંતને ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ હરાવ્યો હતો. સાઇના થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને હરાવવામાં સફળ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ મારિને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં આસાન મુકાબલામાં સિંધુને  21-11, 21-12થી પરાજય આપતા તેની વિરુદ્ધ આઠમી જીત મેળવી હતી. આ મેચ માત્ર 37 મિનિટ સુધી ચાલી શકી હતી. સિંધુ મારિન વિરુદ્ધ પાંચ વખત જીતી શકી છે. 


સેમીફાઇનલમાં મારિનની સામે ચીનની ચેન યૂફેઈનો પડકાર હશે જેણે થાઈલેન્ડની રાતચાનોક ઇંતાનોનને 14-21, 21-9, 21-15થી હરાવીને સેમીફાઇનલમાં જગ્યા પાક્કી કરી હતી. લંડન ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાયનાએ વિજય રથ આગળ વધારતા મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં થાઈલેન્ડની પોર્નપાવીને પરાજય આપ્યો હતો. 



બછેન્દ્રી પાલને પદ્મભૂષણ, ગંભીર અને છેત્રી સહિત 8 ખેલાડીઓને પદ્મશ્રી 


વર્લ્ડ નંબર-9 સાયનાએ 33 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં પોર્નપાવીને સીધા સેટમાં 21-7, 21-18થી હરાવીને બહારનો રસ્તો દેખાડ્યો અને અંતિમ-4માં પોતાની જગ્યા બનાવી હતી. થાઈલેન્ડ ખેલાડી સામે સાઈના ચોથીવાર ટકરાઈ હતી. વર્લ્ડ નંબર-22 પોર્નપાવી વિરુદ્ધ રમાયેલી છેલ્લી ત્રણ મેચમાં સાઇનાને જીત મેળવી છે. 


સાઇના સેમીફાઇનલમાં શનિવારે ચીનની બિંહજિયાઓ સામે ટકરાશે જેણે પોતાના દેશની ચેન શિયાઓશિનને 21-18, 21-14થી પરાજય આપીને સેમીમાં જગ્યા બનાવી હતી. વર્લ્ડ નંબર-8 શ્રીકાંત પુરૂષ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ક્રિસ્ટી સામે હારી ગયો હતો. 


વર્લ્ડ નંબર-12 ઈન્ડોનેશિયાના ક્રિસ્ટીએ 47 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં શ્રીકાંતને 21-18, 21-19થી હરાવ્યો હતો. શ્રીકાંત પાંચમીવાર ક્રિસ્ટી સામે ટકરાયો હતો. છેલ્લા ચાર મેચોમાં બંન્ને વચ્ચે સ્કોર 2-2થી બરોબર હતો. પરંતુ આ મેચ જીતીને ક્રિસ્ટીએ શ્રીકાંત પર 3-2થી લીડ મેળવી લીધી છે.