એડિલેડ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન ડે સિરીઝની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી છે. ત્રણ વન ડે મેચની સિરીઝમાં હવે બંને ટીમો 1-1થી બરોબર છે. ભારતની જીત માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સદી મહત્વની બની રહી, આ ઉપરાંત ધોનીએ છેલ્લી ઓવરોમાં બાજી સંભાળી જીત સુધી મેચને ખેંચી. ધોનીએ શાનદાર રીતે મેચને અંત સુધી દીધી. વિરાટ કોહલી ઉપરાંત પણ એવા પાંચ ખેલાડીઓ છે કે જેમણે આ મેચમાં જીત માટે કમરકસી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વિરાટ કોહલીની શાનદાર સદી
આ મેચમાં સૌથી મહત્વનું પાસું વિરાટ કોહલીની સદી બની. 299 રનનો પીછો કરતાં 31મી ઓવરમાં વિરાટ અને રાયડૂ બેટીંગ કરી રહ્યા હતા ત્યારે રાયડૂએ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રાયડૂ આઉટ થયા બાદ વિરાટે બાજી સંભાળી અને 66 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. ત્યાર બાદ 112 બોલમાં 104 રન બનાવી આઉટ થયો. જોકે સદીથી મેચમાં ટર્ન આવ્યો. 


2. ધોનીનું ફિનિશિંગ ટચ
31મી ઓવરમાં ધોની જ્યારે મેદાનમાં આવ્યો તો એણે વિરાટને સ્ટેન્ડ આપ્યું હતું અને વિરાટને રન બનાવવાનો મોકો આપ્યો. જોકે વિરાટના આઉટ થયા બાદ ધોનીએ જાણે પોતાનું બેટ ખોલી નાંખ્યું અને એક સિક્સ લગાવી બોલર પર પ્રેસર શરૂ કર્યું. પછી દિનેશ કાર્તિક સાથે મળીને મેચને જીત સુધી ખેંચી લાવ્યા. એમ એસ ધોનીએ શાનદાર ફિનિશિંગ ટચ આપીને મેચ જીતી બતાવી. છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 6 બોલમાં 7 રનની જરૂર હતી જોકે આ ઓવરના પહેલા બોલમાં જ ધોનીએ પોતાના અંદાજમાં સિક્સ ફટકારી મેચ ઓસ્ટ્રેલિયાની છાવણીમાંથી છીનવી લીધી. ધોનીએ 54 બોલમાં 55 રન બનાવ્યા. 


3. રોહિત - ધવનની શાનદાર શરૂઆત
મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી હતી. પહેલી ઓવર મેડન ગયા બાદ રોહિત અને ધવને પોતાની વિકેટ પણ બચાવી અને રન પણ ફટકાર્યા. જોકે ભારતની પહેલી વિકેટ 47 રનના સ્કોર પર 8મી ઓવરમાં પડી હતી. શિખર ધવન એક મોટો શોટ રમવાના ચક્કરમાં 32 રન પર આઉટ થયો. ત્યાર બાદ જાણે રોહિતે બાજી સંભાળી અને 43 રન બનાવ્યા. 


4. ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગ
ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાની બેટીંગ દરમિયાન શાનદાર બોલિંગ કરી હતી. 7મી ઓવરમાં ફિંચને આઉટ કરી ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. ફિંચના આઉટ થવાથી ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર આવી ગયું હતું. જોકે ત્યાર બાદ શોન માર્શ સાથે ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ રન બનાવા તરફ આગળ વધી રહ્યા હતા કે ભુવીએ ત્રણ બોલના અંતરમાં જામેલા આ બંને ખેલાડીઓને આઉટ કરી દેતાં વધુ મોટો થઇ રહેલો સ્કોર અટકી ગયો હતો. 


5. મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ
મોહમ્મદ શમીએ ભુવીનો શાનદાર સાથ આપતાં ઘાતક બોલિંગ નાંખી હતી. ફિંચની વિકેટ બાદ બીજી ઓવરમાં જ ઝડપથી રમવાનો પ્રયાસ કરી રહેલા એલેક્સ કૈરીને આઉટ કરી ઓસ્ટ્રેલિયા સામે વધુ મુશ્કેલીઓ ઉભી કરી હતી. ત્યાર બાદ 37મી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસનને આઉટ કરી માર્શ સાથે બની રહેલી માર્કસની ભાગીદારી અટકાવી હતી. ત્યાર બાદ 49મી ઓવરમાં પણ ઝાય રિચર્ડ્સનની વિકેટ લઇ ઓસ્ટ્રેલિયાને 300ની અંદર રહેવા મજબૂર કર્યા હતા.