INDvsAUS: કેએલ રાહુલ ફરી ફ્લોપ, 71 દિવસથી નથી ફટકારી અડધી સદી
કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. તે એડિલેડ ટેસ્ટમાં આઉટ થનારો પ્રથમ બેટ્સમેન હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સતત સંઘર્ષ કરી રહેલ કેએલ રાહુલ ફરી એકવાર ફ્લોપ રહ્યો છે. તે એડિલેડ ટેસ્ટમાં માત્ર આઠ બોલ રમીને બે રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેના ખરાબ ફોર્મને કારણે ભારત પ્રથમ ટેસ્ટમાં સારી શરૂઆત કરવાથી વંચિત રહ્યું હતું. રાહુલ જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 3 રન હતો. જે જોશ હેઝલવુડની બોલિંગમાં સ્લીપમાં કેચઆઉટ થયો હતો. 26 વર્ષીય રાહુલે આ વર્ષે છેલ્લી અડધી સદી એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ફટકારી હતી. તેણે 25 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં 60 રન બનાવ્યા હતા.
ઓપનર કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ પ્રવાસમાં તેનો ચોથો મેચ છે. તે આ પહેલા ત્રણ મેચની ટી20 સિરીઝમાં માત્ર 27 રન બનાવી શક્યો હતો.
વિન્ડિઝ સામે પણ ખરાબ પ્રદર્શન
રાહુલ માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, વિન્ડિઝ સામેની સિરીઝમાં પણ નિષ્ફળ રહ્યો હતો. તે વિન્ડિઝ વિરુદ્ધી ટી20 મેચ, બે ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં હતો. તેણે ત્રણ ટી20 મેચમાં 59 રન બનાવ્યા હતા. આ રીતે તેને બે ટેસ્ટમાં ત્રણવાર બેટિંગ કરવાની તક મળી હતી. તે એકવાર શૂન્ય બીજીવાર ચાર અને ત્રીજીવાર 33 રન બનાવી અણનમ રહ્યો હતો.
14 ટેસ્ટ ઈનિંગમાં માત્ર એક અડધી સદી
કેએલ રાહુલ ટેસ્ટ મેચોમાં સતત સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે છેલ્લી 14 ટેસ્ટ ઈનિંગમાં માત્ર એક વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. ત્યારે તે સદી બનાવવામાં સફળ રહ્યો હતો. આ ઈનિંગ તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટમાં રમી હતી. રાહુલે આ સદી બાદ ચાર ટેસ્ટ ઈનિંગ રમી છે, જેમાં તેનો સ્કોર 0, 4, 33*, 2 છે.
છેલ્લા 18 વર્ષમાં 32 ટેસ્ટ રમનાર દેશનો પાંચમો ઓપનર
કેએલ રાહુલ ભારતના તે ખેલાડીઓમાં સામેલ છે, જેને પ્રતિભાશાળી માનવામાં આવે છે. આ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્કે કહ્યું હતું કે, તે રાહુલને વિરાટ કોગલી બાદ ટીમ ઈન્ડિયાનો સૌથી શાનદાર બેટ્સમેન માને છે. રાહુલ છેલ્લા 18 વર્ષમાં માત્ર પાંચમો ભારતીય ઓપનર છે, જેને 32 કે તેથી વધુ ટેસ્ટ રમવાાની તક મળી છે. આ સિવાય વીરેન્દ્ર સહેવાગ (103), મુરલી વિજય (60), ગૌતમ ગંભીર (58) અને શિખર ધવન (34) એવા ઓપનર છે, જેણે વર્ષ 2000 બાદ 32 ટેસ્ટ મેચ રમી છે.
2018મા 11 ટેસ્ટમાં બનાવ્યા માત્ર 422 રન
રાહુલે વર્ષ 2018મા 11 ટેસ્ટ મેચ રમી છે. તે આ મેચોની 19 ઈનિંગમાં 23.44ની એવરેજથી માત્ર 422 રન બનાવી શક્યો છે. તેણે આ વર્ષે માત્ર એક અડધી સદી અને એક સદી ફટકારી છે. જો આગામી ટેસ્ટમાં પૃથ્વી શો ફિટ થઈ જશે તો રાહુલને અંતિમ ઈલેવનમાં સ્થાન મળવાની સંભાવના ઓછી છે.