ભારત વિરુદ્ધ નહીં રમે સ્મિથ-વોર્નર, પરંતુ આ પ્લાન પર કરી રહ્યાં છે કામ
ભલે સ્મિથ અને વોર્નર પોતાની ટીમ માટે આ મેચમાં રમશે નહીં. પરંતુ આ બંન્ને બેટ્સમેન ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમના બોલરોને મજબૂત કરી રહ્યાં છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં રમવાના નથી. જેથી ઓસિ ટીમની સામે ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીનો મુશ્કેલ પડકાર છે.
ભલે સ્મિથ અને વોર્નર પોતાની ટીમ માટે મેચ નહીં રમી શકે, પરંતુ આ બંન્ને બેટ્સમેન ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમના બોલરોને મજબૂત કરી રહ્યાં છે.
પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સની તૈયારીઓ માટે ઓસ્ટ્રેલિયાની નેટ પ્રેક્ટિસમાં ભાગ લઈ રહ્યાં છે.
સ્મિથ અને વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ બંન્ને પૂર્વ કેપ્ટન અને પૂર્વ વાઇસ કેપ્ટન પડદા પાછળ પોતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે.
મહત્વનું છે કે, આ વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી દરમિયાન કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાન ટીમના કેટલાક ખેલાડીઓ બોલ ટેમ્પરિંગમાં સામેલ હતા. આ મામલામાં તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટને દોષી માનવામાં આવ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓ પર આ મામલામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સ્ટીવ સ્મિથ અને વોર્નર પર એક વર્ષ અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
વોર્નર રવિવારે ભારત વિરુદ્ધ ટી20 મેચ પહેલા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાજર હતો. તે નેટ્સમાં જોશ હેઝલવુડ અને પેટ કમિન્સનો સામનો કરી રહ્યો હતો. કોચ જસ્ટિન લેંગર તેની સાથે હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા પ્રમાણે મિશેલ સ્ટાર્કે કહ્યું કે, સ્મિથને ફાસ્ટ બોલરોની મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે, અને તે આ સપ્તાહ માટે આમ કરવા તૈયાર થઈ ગયો છે.
સ્ટાર્કે સોમવારે સિડની મોર્નિંગ હેરલ્ડને કહ્યું, અમે બોલિંગ કોચ સાથે વાત કરી રહ્યાં છીએ, અમે જે ખેલાડીઓને બોલિંગ કરી રહ્યાં છીએ, તેની સાથે વાત કરી રહ્યાં છીએ. ટેસ્ટ શ્રેણી પહેલા અમારી તૈયારીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે સ્મિથ અને વોર્નર અમારી મદદ કરી રહ્યાં છે.
સ્ટાર્કે કહ્યું, સ્મિથને બોલિંગ કરવી મોટી વાત છે. તે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે. અમારી તૈયારી પર તેનું મંતવ્ય ખૂબ મહત્વપૂર્ણ રહેશે. મહત્વું છે કે, સ્મિથ-વોર્નર પર લાગેલા પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન તમામ ફોર્મેટમાં ખરાબ રહ્યું છે.