INDvsAUS: મેલબોર્ન વનડેમાં વિજય શંકરે કર્યું પર્દાપણ, 226મો odi ખેલાડી બન્યો
વિજય શંકર મેલબોર્ન વનડેની સાથે પોતાના કરિયરનો પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે.
નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર વિજય શંકરને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝના અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર ટી20 રમી ચુકેલા વિજય શંકરની આ પ્રથમ વનડે છે. વિજય ભારત માટે પર્દાપણ કરનાર 226મો ખેલાડી છે, વિજયને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે એડિલેડ વનડેના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો.
વિજયને મેલબોર્ન વનડે શરૂ થતા પહેલા વનડે કેપ આપવામાં આવી હતી. આ દરમિયાન ટીમની સાથે કોચ રવિ શાસ્ત્રી પણ હાજર હતા. ટીમના તમામ સભ્યોએ વિજયને શુભકામના આપી હતી. વિજય આ પહેલા અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે પાંચ ટી20 મેચ રમ્યો છે.
ઈન્ડિયા એ માટે કર્યું શાનદાર પ્રદર્શન
27 વર્ષીય શંકરે ગત વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિયા-એ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર તેણે 94ની એવરેજથી ત્રણ મેચોની લિસ્ટ-એ સિરીઝમાં 188 રન બનાવ્યા હતા. જ્યાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ જીતી હતી. ટીમમાં પસંદગી થયા બાદ વિજયે કહ્યું કે, એ ટીમના કોચ રાહુલ દ્રવિડે ન્યૂઝીલેન્ડમાં તેને પાંચમાં ક્રમે બેટિંગ માટે મોકલ્યો જેથી ઘણા ફાયદો થયો હતો.
હાર્દિકના સ્થાને વિજય ટીમમાં સામેલ
હાર્દિક પંડ્યા કોફી વિથ કરણ શોમાં થયેલા વિવાદને કારણે ટીમમાંથી બહાર છે, જેના સ્થાને ટીમ ઈન્ડિયાએ ઓલરાઉન્ડર વિજય શંકરને સ્થાન આપ્યું છે.