BAN vs IND: ઈજાગ્રસ્ત રોહિત શર્માની મહેનત પાણીમાં, બાંગ્લાદેશે 5 રને ભારતને હરાવી સિરીઝ કબજે કરી
India Vs Bangladesh: રોહિત શર્માએ અંતિમ ઓવરોમાં કરેલી આક્રમક બેટિંગ છતાં ભારતે બીજી વનડેમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારતે ત્રણ મેચોની વનડે સિરીઝ પણ ગુમાવી દીધી છે.
ઢાકાઃ ઈજાગ્રસ્ત રોહિત શર્માએ અંતિમ ઓવરોમાં માત્ર 28 બોલમાં 5 સિક્સ અને 3 ચોગ્ગાની સાથે ફટકારેલી અડધી સદી છતાં બાંગ્લાદેશે રોમાંચક મેચમાં ભારતને 5 રને પરાજય આપી ત્રણ મેચની વનડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 266 રન બનાવી શકી હતી. આ જીત સાથે બાંગ્લાદેશે સિરીઝ પણ કબજે કરી લીધી છે.
રોહિતની મહેનત પાણીમાં
રોહિત શર્મા પ્રથમ ઈનિંગમાં ફીલ્ડિંગ કરવા દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ ભારત તરફથી ઈનિંગની શરૂઆત વિરાટ કોહલીએ કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ 200 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી તો રોહિત શર્મા મેદાનમાં આવ્યો હતો. રોહિતે અંતિમ ઓવરોમાં આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. રોહિતે માત્ર 28 બોલમાં 5 સિક્સ અને ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ તે ભારતને જીત અપાવી શક્યો નહીં.
ભારતના બેટરોનો ધબડકો
ઓપનિંગ કરવા આવેલ વિરાટ કોહલી પાંચ રન બનાવી ઇબાદત હુસૈનની ઓવરમાં બોલ્ડ થયો હતો. શિખર ધવન માત્ર 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. વોશિંગટન સુંદર 11 રન બનાવી શાકીબનો શિકાર બન્યો હતો. કેએલ રાહુલ 28 બોલમાં 14 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી સૌથી વધુ રન શ્રેયસ અય્યરે બનાવ્યા હતા. અય્યર 102 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે 82 રન બનાવી આઉટ થયો હતો. તો અક્ષર પટેલે 56 બોલમાં 56 રન બનાવ્યા હતા.
મેહદી હસન મિરાઝની શાનદાર સદી
ભારત સામે પ્રથમ વનડેમાં હાથમાં આવેલી જીત છીનવી જનાર મેહદી હસન મિરાઝે બીજી વનડેમાં દમદાર બેટિંગ કરતા પોતાના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. મિરાઝે મહમૂદુલ્લાહ સાથે મળીને સાતમી વિકેટ માટે 148 રનની ભાગીદારી પણ કરી હતી. મેહદી હસન મિરાઝ 83 બોલમાં 4 સિક્સ અને 8 ચોગ્ગા સાથે 100 રન બનાવી અણનમ રહ્યો હતો. તો મહમૂદુલ્લાહએ 96 બોલમાં સાત ચોગ્ગા સાથે 77 રન ફટકાર્યા હતા.
બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર અનામુલ 11 રન બનાવી સિરાજનો શિકાર કર્યો હતો. ત્યારબાદ સિરાજે લિટન દાસને સાત રને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. શાન્તો 21 રન બનાવી ઉમરાન મલિકની ઓવરમાં આઉટ થયો હતો. મુશફીકુર રહીમે 12 રન બનાવ્યા હતા. શાકીબ માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. આ બંને સફળતા વોશિંગટન સુંદરને મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube