IND vs ENG: પ્રથમ દિવસે ભારત મજબૂત, ઈંગ્લેન્ડના 205 સામે ટીમ ઈન્ડિયા 24/1
અમદાવાદમાં આજથી શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનો હાથ ઉપર છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી ચાર મેચની સિરીઝની ચોથી અને અંતિમ મેચમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારત મજબૂત સ્થિતિમાં છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 1 વિકેટ ગુમાવી 24 રન બનાવી લીધા છે. દિવસના અંતે ચેતેશ્વર પુજારા 15 અને રોહિત શર્મા 8 રન બનાવી ક્રીઝ પર છે. ભારત હજુ ઈંગ્લેન્ડના સ્કોર કરતા 181 રન પાછળ છે. ભારતને એકમાત્ર ઝટકો શુભમન ગિલ (0)ના રૂપમાં લાગ્યો હતો.
ઈંગ્લેન્ડની ઈનિંગ, સ્ટોક્સની અડધી સદી
ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો ડોમ સિબ્લીના રૂપમાં લાગ્યો, જે અક્ષર પટેલના બોલ પર 2 રન બનાવી આઉટ થયો હતો. જેક ક્રાઉલીના રૂપમાં ભારતને બીજી સફળતા મળી હતી. આ વિકેટ પણ અક્ષર પટેલને મળી, તેણે ક્રાઉલીને 9 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો કેપ્ટન જો રૂટ (5)ના રૂપમાં લાગ્યો હતો. રૂટને મોહમ્મદ સિરાજે lbw આઉટ થયો હતો.
ચોથો ઝટકો ઈંગ્લેન્ડને જોની બેયરસ્ટોના રૂપમાં લાગ્યો જે 28 રન બનાવી સિરાજ શિકાર બન્યો હતો. બેન સ્ટોક્સે 55 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડ તરફથી અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન હતો. તેને વોશિંગટન સુંદરે આઉટ કર્યો હતો. ભારતને છઠ્ઠી સફળતા આર અશ્વિને અપાવી હતી. અશ્વિને ઓલી પોપ (29) ને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ PSL 2021 સ્થગિત, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોના પોઝિટિવ આવતા લેવાયો નિર્ણય
ત્યારબાદ બેન ફોકસના રૂપમાં ઈંગ્લેન્ડે સાતમી વિકેટ ગુમાવી હતી. તેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. અક્ષર પટેલે ડેનિયલ લોરેન્સન (46) ને આઉટ કરી ભારતને આઠમી સફળતા અપાવી હતી. ત્યારબાદ ડોમિનિક બેસ 3 રન બનાવી અક્ષરની ઓવરમાં આઉટ થયો હતો. જેક લીચને અશ્વિને LBW આઉટ કરી ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત કર્યો હતો.
ભારતીય સ્પિનરોનો દબદબો
અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા 26 ઓવરમાં 68 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આર અશ્વિને 19.5 ઓવરમાં 47 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજને બે અને વોશિંગટન સુંદરને એક સફળતા મળી હતી.