INDvsENG : હેલ્સ આગળ ટીમ ઈન્ડિયાના બોલરો નિષ્ફળ, બીજી ટી20માં ભારત હાર્યું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચોની સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડ જબરદસ્ત વાપસી કરી અને જીત નોંધાવી.
કાર્ડિફ (ઈંગ્લેન્ડ): ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચોની સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડ જબરદસ્ત વાપસી કરી અને જીત નોંધાવી. એલેક્સ હેલ્સના અણનમ 58 રનની દમદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે શુક્રવારે મોડી રાતે સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ભારતને 5 વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે મેજબાન ટીમે 3 ટી 20 મેચોની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે.
ભારત દ્વારા આપવામાં આવેલા 149ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને બે બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી. જો કે ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. 16 રનના સ્કોર પર મેજબાન ટીમે ઓપનર જેસન રોય 915)ની વિકેટ ગુમાવી હતી. ઝડપી બોલર ઉમેશ યાદવે તેને આઉટ કર્યો હતો. પહેલી વિકેટ પડ્યા બાદ ઈંગ્લેન્ડે બીજી બે વિકેટ પણ ઝડપથી ગુમાવી હતી. આમ મેજબાન ટીમે માત્ર 44 રનમાં 3 વિકેટ ગુમાવી હતી.
ત્યારબાદ એલેક્સ હેલ્સ અને કેપ્ટન ઈયોન મોર્ગન (17)એ ચોથી વિકેટની ભાગીદારીમાં 48 રન ઉમેર્યાં. હેલ્સે પોતાની ઈનિંગમાં 41 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા તથા 3 છગ્ગા માર્યા હતાં. મોર્ગનને આઉટ કરીને આ ભાગીદારી હરફનમૌલા ખેલાડી હાર્દિક પંડ્યાએ તોડી હતી. મોર્ગનના ગયા બાદ હેલ્સે જોની બેયસર્ટો (28) સાથે મળીને ઈંગ્લેન્ડના દાવને સંભાળ્યો.
બેયસર્ટોને પેવેલિયન ભેગો કરીને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે મેજબાન ટીમને પાંચમો આંચકો તો આપ્યો પરંતુ ભારત આમ છતાં જીતી શક્યું નહીં. ભારત માટે ઉમેશ યાદવે બે જ્યારે ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.
આ અગાઉ ટોસ જીતીને ભારતીય ટીમે કેપ્ટન વિરાટ કોહલીના 47 રનની મદદથી મેજબાન ટીમ સામે 149નો લક્ષ્યાંક મૂક્યો હતો. ભારતની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ઓપનર રોહિત શર્મા માત્ર 6 રન કરીને ઝડપી બોલરજેક બાલનો શિકાર બની ગયો. ભારતનો સ્કોર હજુ તો 15 રન જ થયો હતો ત્યાં શિખર ધવન (10) રનઆઉટ થઈ ગયો.
આ વખતે મેચમાં લોકેશ રાહુલ કઈ ખાસ કરી શક્યો નહીં. લોકેશ રાહુલને 6 રનના અંગત સ્કોર પર લિયામ પ્લંકટે ક્લિન બોલ્ડ કર્યો. ત્યારબાદ કોહલી અને સુરેશ રૈનાએ (27)એ ચોથી વિકેટ માટે 57 રન ઉમેર્યાં. રૈનાને આઉટ કરીને સ્પિન બોલર આદિલ રશીદે ભારતને ચોથો આંચકો આપ્યો.
રૈનાના આઉટ થયા બાદ કોહલીએ ધોની સાથે મળીને 32 રન જોડ્યાં. જો કે કોહલી અડધી સદી પૂરી કરી શક્યો નહીં. હાર્દિક પંડ્યા 12 રન બનાવીને અણનમ રહ્યો હતો.
પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. જેમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ લીધી હતી. કેએલ રાહુલે શાનદાર અણનક શતક ફટકાર્યું હતું. જો કે આ મેચમાં બંને નિષ્ફળ ગયા હતાં.