નોટિંઘમઃ ટીમ ઈન્ડિયાનો નોટિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પર વિજય ઘણી રીતે મહત્વો છે. પ્રથમ ટેસ્ટમાં 31 રને પરાજય બાદ લોર્ડ્સ ટેસ્ટમાં જ્યારે ભારતને એક ઈનિંગ અને 159 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો ત્યારે બેટ્સમેનોની ખુબ આલોચના થઈ હતી. પ્રથમ બંન્ને ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીને છોડીને તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યાં હતા. બીજી ટેસ્ટની બંન્ને ઈનિંગમાં ભારત તરફથી ટોપ સ્કોરર અશ્વિન રહ્યો હતો. પરંતુ નોટિંઘમમાં 203 રનની જીત ટીમ ઈન્ડિયા માટે શ્રેણીમાં એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ લઈને આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી અને સાબિત કર્યું કે લોર્ડ્સમાં ભારતની હાર તેની નબળાઇને કારણે ઓછી ઈંગ્લેન્ડને હવામાનના ફાયદાને કારણે વધુ મળી છે. નોટિંઘમમાં ટીમ ઈન્ડિયાની ટીમના વિજયમાં તમામ વિભાગનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ જીતના કેટલાક મહત્વના કારણ રહ્યાં. 


1. ભારતીય બોલરોની શાનદાર બોલિંગ
આ મેચમાં ભારતની જીતમાં બોલરોનું યોગદાન મહત્વનું રહ્યું છે તેમાં કોઇ શંકા નથી. ભારતીય બેટ્સમેનોએ પણ બંન્ને ઈનિંગમાં 300થી વધુ રન બનાવીને ટીમ ઈન્ડિયા માટે જીતનો પાયો નાખ્યો હતો. પ્રથમ ઈનિંગમાં હાર્દિક પંડ્યાની પાંચ વિકેટની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો બીજી ઈનિંગમાં 521 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસે 9 ઓવર વિકેટ ગુમાવ્યા વગર પસાર કરી લીધા હતા. પરંતુ ચોથા દિવસે ઈશાંત શર્મા ત્રાટક્યો અને બંન્ને ઓપનરોને પેવેલિયન પરત મોકલી દીધા હતા. ત્યારબાદ જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું. પાંચમાં દિવસે અશ્વિને ઈંગ્લેન્ડના અંતિમ બેટ્સમેન એન્ડરસનને આઉટ કરીને ભારતને જીત અપાવી હતી. 


2. હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડ દેખાવ
આ મેચમાં બેશક હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખાસ રહ્યું પ્રથમ ઈનિંગમાં તેનો બોલિંગ સ્પેલ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. હાર્દિકે તેના ટેસ્ટ કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 6 ઓવરમાં માત્ર 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તો બીજી ઈનિંગમાં પણ હાર્દિકે તેની આક્રમક બેટિંગનો પરિચય આપતા 52 બોલમાં અણનમ 52 રન ફટકાર્યા હતા. તે મેચમાં પાંચ વિકેટ અને અર્ધસદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો હતો. 


3. ટીમ ઈન્ડિયાના બેટ્સનેનોનું જોરદાર પ્રદર્શન
ભારતની જીતનું ત્રીજી મહત્વનું કારણ ટીમ ઈન્ડિયાની મધ્યમક્રમની શાનદાર બેટિંગ રહી. પ્રથમ ઈનિંગમાં વિરાટ અને રહાણેએ સાથે મળીને 159 રનની ભાગીદારી કરી. રહાણેએ 81 અને વિરાટે 97 રનનું યોગદાન આપ્યું અને આ બંન્નેની મદદથી ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવવામાં સફળ રહ્યું હતું. બીજી ઈનિંગમાં પણ ભારતીય મિડલઓર્ડરનું શાનદાર પ્રદર્શન રહ્યું. વિરાટે સદી ફટકારી સાથે પૂજારાએ પણ 72 રન ફટકાર્યા અને આ બંન્ને વચ્ચે 113 રનની ભાગીદારી થઈ હતી. આ સિવાય બંન્ને ઈનિંગમાં ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. જેનો ફાયદો ભારતીય મિડલઓર્ડર બેટ્સમેનોને મળ્યો હતો. 


4. વિરાટ કોહલીની શાનદાર બેટિંગ
વિરાટે આ મેચમાં સારી બેટિંગ કરી. તેણે પ્રથમ ઈનિંગમાં 97 રન બનાવ્યા પણ સદી ચુકી ગયો હતો. બીજી ઈનિંગમાં વિરાટે પોતાની શાનદાર સદી ફટકારી હતી. વિરાટે બંન્ને ઈનિંગમાં મળીને 200 રન બનાવ્યા હતા. જેની મદદથી ભારત ઈંગ્લેન્ડને મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું હતું. 


5. ઓપનરોનું સારૂ પ્રદર્શન
આ મેચમાં ભારતીય ઓપનિંગ જોડીનું યોગદાન પણ મહત્વનું રહ્યું છે. ભલે બંન્ને ઓપનરો મોટી ઈનિંગ રમવામાં અસફળ રહ્યાં હોય પરંતુ બંન્ને ઈનિંગમાં ભારતને સારૂ શરૂઆત અપાવી હતી. જેના આધારે ભારતીય ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. પ્રથમ ઈનિંગમાં રાહુલે 23 અને ધવને 35 રન બનાવ્યા હતા. તો બીજી ઈનિંગમાં રાહુલે 36 અને ધવને 44 રન બનાવ્યા હતા.