INDvsENG T20: કોહલી-કિશનની અડધી સદી, ભારતનો સાત વિકેટે શાનદાર વિજય
IND vs ENG T20i: ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં પલટવાર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપી પાંચ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે.
અમદાવાદઃ ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi stadium) માં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા મહેમાન ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં વાપસી કરતા 1-1ની બરોબરી કરી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
કેએલ રાહુલ સતત બીજી મેચમાં ફ્લોપ
પ્રથમ મેચમાં 1 રન બનાવનાર કેએલ રાહુલ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. રાહુલ પ્રથમ ઓવરમાં શૂન્ય રન પર સેમ કરનનો શિકાર બન્યો હતો. તેણે 6 બોલનો સામનો કર્યો હતો.
પર્દાપણ મેચમાં ઇશાન કિશનની દમદાર બેટિંગ
ઈશાન કિશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પર્દાપણ કર્યુ છે. તેણે પોતાની પ્રથમ ટી20 મેચમાં અડધી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં કિશનને રમવાની તક મળી હતી. તેણે રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. તે 32 બોલમાં 5 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 56 રન બનાવી આઉટ થયો હતો.
વિરાટ કોહલીએ કરિયરની 26મી અડધી સદી ફટકારી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે પ્રથમ વિકેટ પડ્યા બાદ ઇશાન કિશન સાથે 94 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 26મી અડધી સદી છે. કોહલીએ 49 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 73 રન બનાવ્યા હતા.
રિષભ પંત અને વિરાટ કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે 36 રનની ભાગીદારી થઈ હતી. રિષભ પંત 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 26 રન બનાવી ક્રિસ જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડની ઈનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે જોસ બટલર (0)ને LBW આઉટ કરી ભારતને સફળતા અપાવી હતી. ત્યારબાદ જેસન રોય અને ડેવિડ મલાને બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 64 રન હતો ત્યારે ડેવિડ મલાન (24) રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો.
જેસન રોય અડધી સદી ચુક્યો
પ્રથમ મેચમાં એક રને અડધી સદી ચુકનાર જેસન રોય આ મેચમાં પણ (46) રન બનાવી વોશિંગટન સુંદરની ઓવરમાં આઉટ થયો હતો. રોયે 35 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જોની બેયરસ્ટો (20) રન પર સુંદરની ઓવરમાં કેચઆઉટ થયો હતો. કેપ્ટન ઇયોન મોર્ગને 20 બોલમાં 4 ચોગ્ગા સાથે 28 રન ફટકાર્યા હતા. મોર્ગનનો શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. બેન સ્ટોક્સ 24 રન બનાવી ઠાકુરનો શિકાર બન્યો હતો.
ભારત તરફથી વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 29 રન આપીને બે તથા શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 29 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube