હેમિલ્ટનઃ સતત ત્રણ વનડે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચુકેલી ભારતીય ટીમનો ચોથી વનડે મેચમાં ધબડકો થયો હતો. ટીમ માત્ર 92 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમના બેટ્સમેનોએ કીવી બોલર ટ્રેન્ટ બોલ્ટ સામે ઘુંટણીયા ટેકવી દીધા હતા. એક બાદ એક બેટ્સમેન આઉટ થતાં ટીમ માત્ર 30 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રહ્યાં ભારતની હારના પાંચ કારણ.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપનરોની ખરાબ શરૂઆત
ભારતીય ટીમને પ્રથમ ત્રણ વનડેમાં બંન્ને ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. જેથી ટીમે પ્રથમ ત્રણ વનડેમાં શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. પરંતુ ચોથી વનડેમાં બંન્ને ઓપનરો સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં 23 રનના સ્કોર પર બંન્ને આઉટ થઈ ગયા હતા. જેથી ભારતીય ટીમનો ધબડકો થયો હતો. 


શુભમન ગિલનું ડ્રિમ ડેબ્યૂ ફેલ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ચોથી અને પાંચમી વનડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને પર્દાપણ કરવાની તક મળી હતી. આ બેટ્સમેન પાસે તમામને મોટી આશા હતી પરંતુ તે માત્ર 9 રન બનાવી શક્યો હતો. 


રાયડૂ-દિનેશ કાર્તિકે ફટકાર્યા ખરાબ શોટ
ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી દીધી ત્યારે અંબાતી રાયડૂ બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ટીમની સ્થિતિ ખરાબ હતી, જેથી તેણે સાચવીને બેટિંગ કરવાની જરૂર હતી. પરંતુ રન બનાવવાની ઉતાવળમાં રાયડૂ ખરાબ શોટ્સ રમ્યો અને આઉટ થયો હતો. તેણે 4 બોલમાં શૂન્ય રન કર્યા હતા. તો દિનેશ કાર્તિક પણ બહાર જતા બોલને રમીને વિકેટકીપરને કેચ આપી બેઠો હતો. આ બોલ છોડી દેવાની જરૂર હતી. આ બંન્ને બેટ્સમેનો ખરાબ શોટ રમીને આઉટ થતા ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. 


બોલ્ટની શાનદાર બોલિંગ
પ્રથમ ત્રણ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડનો બોલરો પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેતા તેનો ફાયદો ભારતને મળ્યો હતો. પરંતુ આ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમના બેટ્સમેનોએ વિકેટ ફેંકી દીધી હતી. બોલ્ટે 10 ઓવરમાં 4 ઓવર મેડન ફેંકીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. 


ટોસ જીતીને યોગ્ય નિર્ણય
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. જે યોગ્ય સાબિત થયો હતો. કીવી બોલરોએ પિચનો સારો ફાયદો ઉઠાવીને ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી હતી.