માઉન્ટ માઉંગનુઈઃ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે અહીં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને 7 રને પરાજય આપીને શ્રેણી 5-0થી કબજે કરી છે. એક સમયે ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ભારતીય બોલરેએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાની વાપસી કરાવી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 163 રન બનાવ્યા હતા જેના જવાબમાં કીવી ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવી શકી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય નવદીપ સૈની તથા શાર્દુલ ઠાકુરને બે-બે તથા વોશિંગટન સુંદરને એક સફળતા મળી હતી. 


મહત્વનું છે કે ભારતે પ્રથમ મેચ 6 વિકેટે બીજી ટી20 મેચ સાત વિકેટે જીતી હતી. ત્યારબાદ ભારતે ત્રીજી અને ચોથી ટી20 મેચમાં સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. 


164 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઝટકો માર્ટિન ગુપ્ટિલના રૂપમાં લાગ્યો જે 2 રન નબાવી જસપ્રીત બુમરાહના બોલ પર LBW આઉટ થયો હતો. ત્યારબાદની ઓવરમાં કોલિન મુનરો 6 બોલ પર 15 રન બનાવી વોશિંગટન સુંદરના બોલ પર બોલ્ડ થયો હતો. તો ચોથી ઓવરમાં ટોમ બ્રૂસ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. 


કીવી ટીમને ચોથો ઝટકો ટિમ સેફર્ટના રૂપમાં લાગ્યો જે 30 બોલ પર 50 રન બનાવી સૈનીની ઓવરમાં સેમસનના હાથે કેચઆઉટ થયો હતો. બુમરાહે ડેરેલ મિશેલને બે રન પર ક્લિન બોલ્ડ કર્યો હતો. આ દરમિયાન પોતાના કરિયરની 100મી ટી20 મેચ રમી રહેલ ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે અડધી સદી પૂરી કરી હતી. ટેલર 47 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 રન ફટકારી આઉટ થયો હતો. ટીમ સાઉદી 6 રન બનાવી આઉટ થયો હતો. 


17મી ઓવરમાં ઠાકુરે ભારતને અપાવી બે સફળતા
ઈનિંગની 17મી ઓવર ફેંકવા આવેલા શાર્દુલ ઠાકુરે ફરી ભારતને વાપસી કરાવી હતી. તેણે આ ઓવરમાં પહેલા મિશેલ સેન્ટનર (6)ને મનીષ પાંડેના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ કુગ્ગેઇન (0)ને વોશિંગટન સુંદરના હાથે કેચ કરાવીને કીવી ટીમને સાતમો ઝટકો આપ્યો હતો. 


શિવમ દુબેએ એક ઓવરમાં આપ્યા 34 રન
ઓલરાઉન્ડર શિવમ દુબેને આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે ઈનિંગની 10મી ઓવર ફેંકવા આપી હતી. તે સમયે ન્યૂઝીલેન્ડ વાપસીનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ઓવરમાં શિવ દુબેએ 4 છગ્ગા અને 2 ચોગ્ગા ખાઈને કુલ 34 રન આપ્યા હતા. 


ભારતે 20 ઓવરમાં બનાવ્યા 163 રન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તે રિટાયર્ડ હર્ટ થયો હતો. આ સિવાય કેએલ રાહુલે 45 રન અને શ્રેયસ અય્યરે અણનમ 33 રનનું યોગદાન આપ્યું હતું. 


મનીષ પાંડે ચાર બોલ પર એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 11 રન પર અણનમ રહ્યો હતો. આ ઈનિંગની સાથે રોહિતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ 25 વખત 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. તે વિરાટ કોહલી (24)થી આગળ નિકળી ગયો છે. કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં 24 વખત અડધી સદી ફટકારી છે. તેના નામે એકપણ સદી નથી. ન્યૂઝીલેન્ડ તરફથી સ્કોટ કુગ્ગેલેને બે તથા હામિશ બેનેટે એક વિકેટ ઝડપી હતી. 


ટીમ ઈન્ડિયા આ મેચ માટે પણ સંજૂ સેમસન અને કેએલ રાહુલની ઓપનિંગ જોડી સાથે ઉતરી હતી. સંજૂ સેમસન માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. તેને સ્કોટ કુગ્ગેલેને મિશેલ સેન્ટરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 


ત્યારબાદ કેએલ રાહુલ અને રોહિત શર્માએ મળીને 88 રનની ભાગીદારી કરી હતી. 12મી ઓવરમાં હામિશ બેનેટે રાહુલને પોતાનો શિકાર બનાવ્યો હતો. બેનેટના બોલ પર રાહુલ સેન્ટરને કેચ આપી બેઠો અને 45 રન બનાવી આઉટ થયો હતો. 


17મી ઓવરમાં રોહિત શર્મા પગની સ્નાયુઓમાં ખેંચાવને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિતે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત આઉટ થયા બાદ ભારતે અંતિમ 20 બોલમાં માત્ર 25 રન બનાવી શક્યું હતું. તેમાં સાઉદી (4 ઓવર 52 રન)ની અંતિમ ઓવર પણ સામેલ છે. 


19મી ઓવરમાં શિવમ દુબે (5)ને કુગ્ગેલેને ટોમ બ્રૂસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અય્યરે 12મી ઓવરમાં ક્રીઝ પર પગ મુકતાની સાથે સાઉદી અને સેન્ટનર પર છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ ડેથ ઓવરમાં તે ઝડપી રમી શક્યો નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર