હેમિલ્ટનઃ રોસ ટેલર (109*)ની  સદી, હેનરી નિકોલ્સ (78) ટોમ લાથમ (68)ની શાનદાર ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે અહીં સેડોન પાર્કમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યર (103), રાહુલ (88) અને વિરાટ કોહલી (51)ની મદદથી  50 ઓવરમાં 4 વિકેટે 347 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટના ભોગે 348 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ જીત મળી છે. આ પહેલા ભારતે 5 મેચોની ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. વિશ્વકપની ફાઇનલ બાદ આ ન્યૂઝીલેન્ડની પ્રથમ વનડે મેચ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન ટીમને ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત
ભારતે આપેલા વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમને બંન્ને ઓપનર હેનરી નિકોલ્સ અને માર્ટિન ગુપ્ટિલે સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ 10 ઓવરના પાવરપ્લેમાં વિના વિકેટે 54 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ સફળતા 16મી ઓવરમાં મળી હતી. શાર્દુલ ઠાકુરે માર્ટિન ગુપ્ટિલ (32)ને કેજાર જાધવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. કીવીના બંન્ને ઓપનરોએ 85 રન જોડ્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવે પર્દાપણ કરી રહેલા ટોમ બ્લેંડલને રાહુલના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. બ્લેંડલે 9 રન બનાવ્યા હતા. કીવી ટીમને ત્રીજો ઝટકો હેનરી નિકોલ્સના રૂપમાં લાગ્યો હતો. નિકોલ્સ 82 બોલમાં 78 રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. 


રોસ ટેલર અને ટોમ લાથમ વચ્ચે સદીની ભાગીદારી
ન્યૂઝીલેન્ડે 171 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટોમ લાથમે ક્રીઝ પર આવીને રોસ ટેલરનો સાથ આપ્યો હતો. બંન્નેએ ચોથી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન રોસ યેલરે 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો લાથમે 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમનો સ્કોર 309 રન હતો ત્યારે ટોમ લાથમ (69) કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. લાથમે 48 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જેમ્સ નીશામ 9 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. કોલિન ડિ ગ્રાન્ડહોમ માત્ર 1 રન બનાવી રનઆઉટ થયો હતો. 


રોસ ટેલરે ફટકારી વનડે કરિયરની 21મી સદી
ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે માત્ર 73 બોલમાં પોતાના વનડે કરિયરની 21મી સદી ફટકારી હતી. આ ઘરઆંગણે તેની 12મી અને ભારત સામે ત્રીજી સદી છે. રોસ ટેલરે 84 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 109 રન બનાવ્યા હતા. 


કુલદીપ યાદવે 10 ઓવરમાં આપ્યા 84 રન
ભારતના બંન્ને સ્પિનરો મોંઘા સાબિત થયા હતા. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં એકપણ વિકેટ ઝડપ્યા વિના 64 રન આપ્યા હતા. તો કુલદીપ યાદવે 10 ઓવરમાં 84 રન આપીને બે સફળતા મેળવી હતી. 


અય્યરની સદી, ભારતનો વિશાળ સ્કોર
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે પોતાના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. અય્યરે પ્રથમ વનડે સદી કરિયરની 16મી મેચમાં ફટકારી હતી. અય્યરે 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય વિકેટકીપર કેએલ રાહુલે પાંચમાં ક્રમે બેટિંગ કરતા 64 બોલમાં 88 રનની ઈનિંગ રમી હતી. રાહુલે વનડેમાં પોતાની 7મી અડધી સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન કોહલીએ 51 રનનું યોગદાન આપ્યું હતું. 


અય્યરના કરિયરની પ્રથમ વનડે સદી સિવાય કેપ્ટન કોહલી અને રાહુલની અડધી સદીની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામે 348 રનનો લક્ષ્ય રાખ્યો હતો. અય્યરે મુશ્કેલ સમયમાં કેપ્ટનનની સાથે શાનદાર ભાગીદારી કરી હતી. વિરાટ કોહલીએ 51 અને રાહુલે 88 રન બનાવ્યા હતા. 


કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડની આગેવાની કરે રહેલા ટોમ લાથમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી નવી ઓપનિંગ જોડી પૃથ્વી શો અને મયંક અગ્રવાલે વનડેમાં પર્દાપણ કર્યું હતું. પૃથ્વીએ 20 અને મયંક 32 રન બનાવી આઉટ થયો હતો. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 50 રન જોડીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. પૃથ્વી શોને કોલિન ડિ ગ્રાન્ડહોમે આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલ ટીમ સાઉદીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન કોહલી અને અય્યરે બોલરો માટે મુશ્કેલી ઉભી કરી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. 


કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તે ઈશ સોઢીની ગુગલી પર બોલ્ડ થયો હતો. કેપ્ટનની વિકેટ કુલ 156 રનના સ્કોર પર પડી હતી. કોહલીએ 63 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા હતા. 


ત્યારબાદ અય્યરને રાહુલે સાથ આપ્યો હતો. અય્યરે આસાનીથી પોતાના કરિયરની પ્રથમ સદી પૂરી કરી હતી. ત્યારબાદ તે સાઉદીનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 292 હતો ત્યારે અય્યર આઉટ થયો હતો. અય્યર અને રાહુલે ચોથી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. 


અય્યર આઉટ થયા બાદ રાહુલ અને કેદાર જાધવે ઝડપી રન બનાવીને ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. રાહુલે પોતાની અણનમ ઈનિંગમાં 64 બોલનો સામનો કર્યો જેમાં ત્રણ ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જાધવે 15 બોલ પર ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સોઢી અને ગ્રાન્ડહોમને એક-એક સફળતા મળી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર