વનડેમાં ભારતની સૌથી મોટી હાર, ન્યૂઝીલેન્ડે 212 બોલ બાકી રાખી આપ્યો પરાજય
હેમિલ્ડનમાં રમાયેલી શ્રેણીની ચોથી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે પરાજય આપ્યો હતો.
હેમિલ્ટનઃ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને કોલિન ડિ ગ્રાન્ડહોમની તોફાની બોલિંગથી ટીમ ઈન્ડિયા ઢેર થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે ચોથી વનડે મેચમાં ગુરૂવારે હેમિલ્ટનમાં ભારતને આઠ વિકેટે કારમો પરાજય આપીને પાંચ મેચોની સિરીઝમાં પ્રથમ જીત મેળવી અને ઘરમાં પોતાની પ્રતિષ્ઠા બચાવી લીધી હતી. આ હાર છતાં ભારતે સિરીઝમાં 3-1ની લીડ બનાવી રાખી છે. સિરીઝનો પાંચમો અને અંતિમ મેચ ત્રણ ફેબ્રુઆરીએ વેલિંગટનમાં રમાશે.
ન્યૂઝીલેન્ડે 212 બોલ બાકી રાખીને જીત મેળવી, જે બોલ બાકી રહેવા પ્રમાણે ભારતની સૌથી મોટી હાર છે. આ પહેલા ઓગસ્ટ 2010માં દાંબુલામાં ભારતને શ્રીલંકાએ 209 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. બોલ બાકી રહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડે પોતાની પાંચમી સૌથી મોટી જીતની બરોબરી કરી છે.
વનડેમાં સૌથી વધુ બોલ બાકી રહેતા ભારતની હાર
1. 212 બોલ બાકી, વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, ટારગેટ 93- 14.4 ઓવરમાં હાસિલ, 8 વિકેટથી હાર (હેમિલ્ટન, 2019)
2. 209 બોલ બાકી, વિરુદ્ધ શ્રીલંકા, ટારગેટ 104- 15.1 ઓવરમાં હાસિલ, 8 વિકેટથી હાર (દાંબુલા, 2010)
INDvsNZ: હેમિલ્ટનમાં ભારતની શર્મજનક હારના પાંચ કારણો
મેન ઓફ ધ મેચ બોલ્ટે સતત 10 ઓવર બોલિંગ કરતા 21 રન આપીને પાંચ, જ્યારે ગ્રાન્ડહોમે 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી અને ભારતીય ટીમ 30.5 ઓવરમાં 92 રને ઓલઆઉટ થઈ ગઈ જે ટીમ ઈન્ડિયાનો સાતમો સૌથી ઓછો સ્કોર છે. ટોડ એસ્ટલ (9 રનમાં એક વિકેટ) અને જેમ્સ નીશામ (5 રનમાં એક વિકેટ) એક-એક વિકેટ ઝડપી હતી.
તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.4 ઓવરમાં બે વિકેટ પર 93 રન બનાવીને આસાન જીત મેળવી હતી. ઓપનિંગ બેટ્સમેન હેનરી નિકોલ્સ (અણનમ 30) અને રોસ ટેલર (અણનમ 37)એ ત્રીજી વિકેટ માટે 54 રનની અતૂટ ભાગીદારી કરી. ટેલરે 25 બોલની પોતાની ઈનિંગમાં બે ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી.
ભારતનો કોઈપણ બેટ્સમેન 20ના આંકડાને પાર ન કરી શક્યો. દસમાં નંબર પર બેટિંગ કરતા યુજવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ 18 રન બનાવ્યા હતા. આ સિવાય પંડ્યા (16), કુલદીપ (15) અને ધવન (13) બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.
NZ v IND: ભારતીય ટીમ 92 રનમાં ઓલઆઉટ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા
વનડેમાં ભારતનો ન્યૂનતમ સ્કોર 54 રન છે, જે તેણે શારજાહમાં 2000માં શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો. આ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ભારતીય ટીમે દાંબુલામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 88 રન બનાવ્યા હતા.