INDvWI: ચેન્નઈ ટી-20માં ભારતની નજર ક્લિન સ્વીપ પર
ભારતીય ટીમ મેનેજમેન્ટે અંતિમ ટી-20માં બુમરાહ, ઉમેશ યાદવ અને કુલદીપને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી ટીમમાં અન્ય ખેલાડીઓને તક મળી શકે છે.
ચેન્નઈઃ ભારતની નજર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રવિવારે અહીં રમાનારી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં જીતની સાથે ક્લીન સ્વીપ પર છે જ્યારે યજમાન ટીમ પોતાની બેંચ સ્ટ્રેન્થ અજમાવવા ઈચ્છશે. ચેન્નઈના દર્શકોને પોતાના પસંદગીના મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરી લાગશે જે ટીમનો ભાગ નથી.
કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદીને કારણે લખનઉમાં વિજયી લીડ બાદ યજમાન ટીમ શ્રેયસ અય્યર, વોશિંગટન સુંદર અને શાહબાજ નદીમને ઓસ્ટ્રેલિયા રવાના થતા પહેલા તક આપશે. પસંદગીકારોએ રવિવારે રમાનારી મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ તથા સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય લીધો છે.
ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલના મેચોમાં ચેપોલની પિચ ધીમી રહી છે પરંતુ રવિવારના મેચ માટે તૈયાર કરાયેલી પિચમાંથી બેટ્સમેનોને મદદ મળવાની આશા છે. લખનઉ ટી20 દરમિયાન કેપ્ટન રોહિત શર્મા શાનદાર લયમાં દેખાયો પરંતુ વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં સાતત્યની ઉણપ છતાં અન્ય બેટ્સમેન સારૂ યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યાં છે.
કેપ્ટનના ઓપનિંગ જોડીદાર શિખર ધવન, લોકેશ રાહુલ અને રિષબ પંત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા આ મેચમાં રમ બનાવવા ઈચ્છશે. સ્થાનીક ખેલાડી દિનેશ કાર્તિકે પ્રથમ ટી20માં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે સ્થાનિક દર્શકોની સામે ફરી એકવાર સારી ઈનિંગ રમવા ઈચ્છશે.
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને સતત પરેશાન કરનાર બુમરાહ અને કુલદીપ યાદવને આરામ અપાયા બાદ જલ્દી વિકેટ ઝડપવાની જવાબદારી ભુવનેશ્વર કુમાર અને યુવા ખલીલ અહમદ પર હશે. કુલદીપની ગેરહાજરીમાં સ્પિન વિભાગમાં યુજવેન્દ્ર ચહલની વાપસી થઈ શકે છે જ્યારે ક્રુણાલ પંડ્યાની પાસે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની પ્રભાવી શરૂઆતને આગળ વધારવાની તક છે.
તે જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ ચેન્નઈના વોશિંગટન સુંદરને અય્યરની સાથે તક આપે છે કે નહીં. વનડે શ્રેણીમાં પ્રભાવી ટક્કર આપ્યા બાદ વિન્ડિઝની ટીમ ટી20માં નિષ્ફળ રહી છે.
વિન્ડિઝ ટીમના કેપ્ટન કાર્લોસ બ્રેથવેટે સ્વીકાર કર્યો કે, તેણે ઉપલબ્ધ ખેલાડીઓની સાથે શ્રેણીનો અંત સાંત્વના ભરી જીતની સાથે કરવો પડશે. કાયરન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને દિનેશ રામદીન જેવા અનુભવી ખેલાડીઓ નિષ્ફળ રહ્યાં જ્યારે ઉપરના ક્રમે તક મળ્યા બાદ શિમરોન હેટમેયર પણ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
ટીમ આ પ્રકારે છે
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, રિષભ પંત, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, શાહબાજ નદીમ અને સિદ્ધાર્થ કૌલ.
વેસ્ટઈન્ડિઝઃ કાર્લોક બ્રેથવેટ (કેપ્ટન), ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, શાઈ હોપ, ઓબેદ મૈકાય, કીમો પાલ, ખેરી પિયરે, કીરોન પોલાર્ડ, નિકોલસ પૂરણ, રોવમેન પાવેલ, દિનેશ રામદીન, શેરફેન રદરફોર્ડ અને ઓશાને થામસ.