INDvsWI: વિરાટ કોહલીએ મુંબઈમાં રમી વર્ષની સૌથી ખરાબ ઈનિંગ, બનાવ્યા માત્ર 16 રન
મુંબઈ વનડેમાં વિરાટ કોહલીના ચાહકોને આશા હતી કે વિરાટ શ્રેણીમાં ચોથી સદી ફટકારશે.
મુંબઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં શરૂ થઈ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ચાહકોને આશા હતી કે વિરાટ શ્રેણીમાં ચોથી સદી ફટકારશે, પરંતુ વિરાટ આઉટ થઈ ગયો હતો. આ મેચમાં વિરાટે આશા કરતા વિરુદ્ધ માત્ર 16 રન બનાવી શક્યો અને તેના ચાહકો નિરાશ થયા હતા. વિરાટની આ વર્ષ 2018ની સૌથી નાની ઈનિંગ હતી.
વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટે ટોસ જીત્યા બાદ કહ્યું હતું કે, પિચ બેટિંગ કરવા માટે અનુકૂળ છે તેથી પ્રથમ બેટિંગ કરવી યોગ્ય રહેશે. આ હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે. અમે જોયું કે વિકેટ બેટિંગ માટે સારી છે.
ચાહકોને હતી આશા
વિરાટના આ નિવેદન બાદ આશા હતી કે ટીમ ઈન્ડિયાની સાથે વિરાટ કોહલી પણ આક્રમક બેટિંગ કરશે. મેચમાં રોહિત શર્માએ 162 રન ફટકાર્યા પરંતુ વિરાટ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ટીમના કુલ સ્કોર 72 રન પર શિખર ધવન આઉટ થતા વિરાટ મેદાનમાં આવ્યો હતો.
વિરાટે આરામથી ઈનિંગ શરૂ કરી હતી. પરંતુ તેણે રન બનાવવાની ગતિ જાળવી રાખી હતી. 16મી ઓવર સુધીમાં વિરાટ 15 બોલ પર 15 રન બનાવી ચુક્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 98 રન હતો. 17મી ઓવરના બીજા બોલ પર વિરાટે સિંગલ લઈને ટીમ ઈન્ડિયાના 100 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ કેમાર રોચની તે ઓવરના ચોથા બોલે વિરાટ વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. કોહલી આઉટ થતા મેદાનમાં સન્નાટો છવાઈ ગયો હતો.
છેલ્લી 13 ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર
વિરાટનો આ વર્ષે સૌથી ઓછો સ્કોર હતો. આ વર્ષે વિરાટ અત્યાર સુધી 13 વનડે રમી ચુક્યો છે. તેમાં તેનો સ્કોર 112, 46, 160, 75, 36, 129, 75, 45, 71, 140, 157, 107, 16 છે. વિરાટે આ પહેલા શ્રેણીના પ્રથમ ત્રણ મેચમાં સદી ફટકારી હતી. જો તે ચોથી સદી ફટકારવામાં સફળ રહ્યો હોત તો વનડેમાં સતત ચાર સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની જાત. આ પહેલા શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સાંગાકારાએ આ સિદ્ધિ મેળવી હતી.