INDW vs NZW, U19 T20: ભારતની દીકરીઓએ કર્યો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવી અન્ડર 19 વિશ્વકપની ફાઇનલમાં કર્યો પ્રવેશ
NZWU19 vs INDWU19: આઈસીસી મહિલા અન્ડર-19 ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 108 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 14.2 ઓવરમાં હાસિલ કરી લીધો હતો.
નવી દિલ્હીઃ શ્વેતા સેહરાવતની તોફાની બેટિંગની મદદથી ભારતે આઈસીસી અન્ડર-19 મહિલા ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીતની સાથે ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ મુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 14.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ભારત તરફથી શ્વેતાની અડધી સદી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાને 33 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન શેફાલી વર્મા 10 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ શ્વેતા સેહરાવતે શાનદાર બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. શ્વેતાએ 45 બોલમાં 10 ચોગ્ગા સાથે અણનમ 61 રન બનાવ્યા હતા. સૌમ્યા તિવારી 22 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે ત્રિષા 5 રન બનાવી અણનમ રહી હતી.
આ પણ વાંચોઃ હાર બાદ છલકાયા સાનિયા મિર્ઝાના આંસુ, જણાવ્યું ક્યારે લેશે સન્યાસ
ન્યૂઝીલેન્ડ માટે બેટિંગમાં જોર્જિયા પ્લેમેરે સૌથી વધુ 32 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ સિવાય ઇસાબેલ ગેઝે 22 બોલમાં 4 ચોગ્ગા સાથે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટર મોટો સ્કોર બનાવી શકી નહીં. બોલિંગમાં ભારત તરફથી પ્રાશ્વી ચોપરાએ 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય ટિટાસ સાધુ, શેફ્લી વર્મા, મનંત કશ્યપ અને અર્ચના દેવીએ એક-એક વિકેટ લીધી હતી.
રવિવારે રમાશે ફાઇનલ
આફ્રિકામાં પ્રથમવાર આઈસીસી મહિલા અન્ડર 19 ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ રવિવારે રમાશે. ભારતનો સામનો બીજી સેમીફાઇનલની વિજેતા ટીમ સામે થશે. આજે સાંજે બીજા સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટક્કર થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube