ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરને IPLમાં થઈ ઈજા, વધી શકે છે કેપ્ટન કોહલીની મુશ્કેલી
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં બુમરાહની ડાબી આંખની ઉપર કાળા ધાબાના નિશાન જોવા મળ્યા હતા. જાણકારી પ્રમાણે તેને પ્રેક્ટિસ દરમિયાન આ ઈજા થઈ હતી.
નવી દિલ્હીઃ એવું લાગી રહ્યું છે કે, ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)ની આ સિઝનમાં જસપ્રીત બુમરાહ અને ઈજા સાથે-સાથે ચાલી રહ્યાં છે. તે સિઝનના પ્રથમ મેચમાં દિલ્હી વિરુદ્ધ ખુદને ઈજા પહોંચાડી હતી. પરંતુ તે ઈજા ગંભીર ન હતી અને તે રમવા માટે તૈયાર થઈ ગયો હતો. પરંતુ શનિવારે હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલા દરમિયાન તે ફરી એકવાર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ મુકાબલા દરમિયાન તેની ડાબી આંખની ઉપર કાળુ નિશાન પડી ગયું હતું.
સૂત્રો પ્રમાણે બુમરાહની ડાબી આંખની ઉપર કાળા ધાબાનું નિશાન જોવા મળ્યું હતું. આ પ્રેક્ટિસ દરમિયાન થયેલી ઈજાનું નિશાન છે. તેણે કહ્યું, પ્રેક્ટિસ દરમિયાન તેને બોલ લાગ્યો હતો. ફીલ્ડિંગ માટે ઉપયોગ કરવામાં આવતો બોલ થોડો નરમ હોય છે અને આ માત્ર ઈજા હતી અને તેની આંખ પર કોઈ ગંભીર અસર પડી નથી.
આ સમયે તમામની નજર બુમરાહ પર છે. તે ન માત્ર મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે રાષ્ટ્રીય ટીમમાં એક મુખ્ય હથિયાર પણ છે. વિશ્વ કપને જોતા તે નક્કી કરવા માટે દરેક સંભવિત પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈંગ્લેન્ડમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં જતા પહેલા તેને કોઈપણ પ્રકારની ઈજા ન થાય.
સિઝનના પ્રથમ મેચમાં તેની ઈજા થયા બાદ ભારતીય ટીમના ફિઝિયો પૈટ્રિક ફરહતે બુમરાહની ઈજાની સ્થિતિની તપાસ કરવા માટે તુરંત મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ફિઝિયો નીતિન પટેલનો સંપર્ક કર્યો હતો. બુમરાહ આ મેચમાં બેટિંગ કરવા આવ્યો નહતો. બાદમાં કહેવામાં આવ્યું કે, આ ટીમ મેનેજમેન્ટનો મામલો હતો, જેને તાત્કાલિક પગલું ભરવાનું હતું કારણ કે તે આગામી વિશ્વ કપ માટે ભારતીય ટીમનું અભિન્ન અંગ છે.