IPL 2018 : મુંબઈ ઈન્ડિયન્સમાં જેસન બેહરનડોર્ફનું સ્થાન લેશે આ ખેલાડી
મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફના સ્થાને ટીમમાં ન્યૂઝીલેન્ડના મિશેલ મેક્લેનઘનને સામેલ કર્યો છે.
મુંબઈઃ આઈપીએલની ટેકનિકલ સમિતિ દ્વારા મળેલી મંજૂરી બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પોતાના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફના સ્થાને ન્યૂઝીલેન્ડના મિશેલ મેક્લેનઘનને સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે આ જાણકારી આપી. બીસીસીઆઈએ કહ્યું, પીઠની સમસ્યાને કારણે જેસનને વીવો આઈપીએલ 2018ની સીઝન માટે મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ખેલાડીઓના નિયમ અનુસાર, મુંબઈની ટીમને તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને સામેલ કરવાની મંજૂરી મળી ગઈ છે.
બોર્ડે કહ્યું કે, મુંબઈ રજીસ્ટર્ડ એન્ડ એવેલેબલ પ્લેયર પૂલમાં સામેલ ખેલાડીઓમાંથી પસંદગી કરીને તેને જેસનના સ્થાને ટીમમાં સામેલ કરી શકે છે. તેવામાં મુંબઈએ મેક્લેનઘનની પસંદગી કરી છે. તેને મૂલ્ય રાશિ એક કરોડમાં ખરીદવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આગામી સાત તારીખથી આઈપીએલ 2018ની મેચ શરૂ થશે. તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાત એપ્રિલે પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અને અન્ય મેચો માટે મુંબઈ ઈન્ડિયન્સે ટિકિટનું ઓનલાઈન વેંચાણ શરૂ કરી દીધું છે.
ગત વર્ષે પૂણેને હરાવીને ટાઇટલ જીતનાર મુંબઈની ટીમ પોતાના અભિયાનની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સની વિરુદ્ધ કરશે જે બે વર્ષના પ્રતિબંધ બાદ પરત પરી છે. મુંબઈનું નેતૃત્વ રોહિત શર્મા અને ચેન્નઈની આગેવાની એમ.એસ ધોની કરશે.