IPL 2018 : ટૂર્નામેન્ટની બે સર્વશ્રેષ્ઠ ટીમો ચેન્નઈ-હૈદરાબાદ આજે ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે
ચેન્નઈની ટીમે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધોનીની આ ટીમ ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર છે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2018)ની 11મી સીઝનમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પ્લેઓફમાં જગ્યા બનાવનાર બે વખતની પૂર્વ ચેમ્પિયન ચેન્નઈ અને એક વખતની ચેમ્પિયન હૈદરાબાદ પ્રથમ ક્વોલિફાયરમાં મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે. આ મેચમાં હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. હારનારી ટીમ બીજા ક્વોલિફાયરમાં એલિમિનેટર મેચની વિજેતા સામે ટકરાશે. મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈએ આ સીઝનમાં બે વર્ષ બાદ વાપસી કરી છે.
મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ટીમ પોતાના પ્લેઓફમાં પહોંચવાનાને સિલસિલાને કાયમ રાખવામાં સફળ રહી છે. આઈપીએલમાં ચેન્નઈની નવમી સીઝન છે અને તમામ વખત આ ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે અને બે વખત ચેમ્પિયન બની છે.
ચેન્નઈએ આ સીઝનમાં પોતાની ખ્યાતી અનુસાર જ પ્રદર્શન કર્યું છે. ધોનીની ટીમ જે પ્રકારે રમી રહી છે તે ટાઇટલની પ્રબળ દાવેદારમાંથી એક છે. બીજીતરફ કેન વિલિયમસનની આગેવાનીમાં હૈદરાબાદની ટીમ પણ ચેન્નઈને ટક્કર આપવા માટે તૈયાર છે.
આ સીઝનના લીગ રાઉન્ડમાં ચેન્નઈ-હૈદરાબાદ વચ્ચે રમાયેલી બંન્ને મેચમાં ચેન્નઈનો વિજય થયો હતો. પ્રથમ મેચ 22 એપ્રિલે રમાઈ હતી જેમાં ચેન્નઈ ચાર રને જીત્યું, જ્યારે પુણેમાં 13 મેએ રમાયેલી બીજી મેચમાં ચેન્નઈ આઠ વિકેટે જીત મેળવવામાં સફળ રહ્યું હતું.
ચેન્નઈની ટીમની ખાસિયત તેની સંતુલિત ટીમ છે. તેના બોલર્સ પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ફિલ્ડિંગમાં પણ આ ટીમ આગળ છે.
બેટિંગમાં અંબાતી રાયડુ આ સીઝનમાં ચેન્નઈ માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે આ સીઝનમાં એક સદી ફટકારી છે. રાયડુની સાથે શેન વોટસને પણ આક્રમક બેટિંગ કરી છે અને આ બંન્નેની જોડી ટીમને સારૂ શરૂઆત અપાવવામાં સફળ રહી છે.
ધોનીએ પંજાબ વિરુદ્ધ રમાયેલી અંતિમ લીગ મેચમાં વોટસનને આરામ આપ્યો હતો. મિડલ ઓર્ડરમાં રૈના પણ ફોર્મમાં આવી ગયો છે. અનુભવી હોવાને કારણે રૈનાએ આ સીઝનમાં એન્કરનો રોલ અદા કર્યો છે. ગત મેચમાં તેણે અણનમ અર્ધસદી ફટકારીને ટીમને જીત અપાવી હતી.
હૈદરાબાદની વાત કરીએ તો તેની તાકાત તેની બોલિંગ છે. ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, શાકિબ અલ હસન, સિદ્ધાર્ષ કૌલ અને સંદીપ શર્મા કોઈપણ આક્રમણને રોકવામાં સક્ષમ છે. અંતિમ ત્રણ મેચમાં હૈદરાબાદની બોલિંગમાં કમી જોવા મળી છે. આજ કારણે છેલ્લી ત્રણેય મેચમાં તેનો પરાજય થયો હતો.
ચેન્નઈને ટક્કર આપવા માટે ટીમને ભુવનેશ્વર કુમાર પાસેથી મોટી આશા છે. શરૂઆતી ઓવરમાં વિકેટ પાડીને ચેન્નઈને દબાણ હેઠળ લાવી શકે છે. મિડલ ઓવર્સમાં રાશિદ શાનદાર બોલિંગ કરી રહ્યો છે.
ટીમની બેટિંગ ચિંતાનો વિષય હોઈ શકે છે. કેપ્ટન કેન વિલિયમસન સતત રન બનાવી રહ્યો છે. છેલ્લા કેટલાક મેચમાં શિખર ધવન પણ ફોર્મમાં આવી ગયો છે. પરંતુ ટીમને આજે મનીષ પાંડે, યૂસુફ પઠાણ પાસેથી આશા છે.