IPL 2019: મુંબઈ ઈન્ડિયન્સનો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બેહરનડોર્ફ સ્વદેશ પરત ફર્યો
ઓસ્ટ્રેલિયા ટીમનો વિશ્વ કપ પહેલા કેમ્પ 2 મેથી શરૂ થશે. પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર એક મેચ રમ્યા બાદ રવાના થશે જ્યારે માર્કસ સ્ટોઇનિસ પણ આ કેમ્પ માટે બાદમાં સ્વદેશ પરત ફરશે.
મુંબઈઃ ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જેસન બેહરનડોર્ફ આગામી મહિને ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ પહેલા રાષ્ટ્રીય ટીમની શિબિરમાં જોડાવા માટે સ્વદેશ રવાના થઈ ગયો છે. પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર એક મેચ બાદ રવાના થશે જ્યારે માર્કસ સ્ટોયનિસ પણ 2 મેથી શરૂ થનારા કેમ્પ માટે સ્વદેશ પર ફરશે.
ફાસ્ટર બેહરનડોર્ફ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સિરીઝ સમાપ્ત થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો. તેણે ટ્વીટ કરીને સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડની યજમાનીમાં આગામી મહિને વિશ્વ કપનો પ્રથમ મેચ 30 મેથી રમાશે.
આ ફાસ્ટ બોલર આઈપીએલની 5 મેચ રમ્યો જેમાં તેણે 165 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મુંબઈએ અત્યાર સુધી 12 મેચ રમી છે જેમાં 7 મેચોમાં જીત નોંધાવી છે. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 14 પોઈન્ટની સાથે હાલમાં ત્રીજા સ્થાન પર છે.