બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપ્યો છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં 26 રનની જરૂ હતી. જેમાં એમએસ ધોનીએ પ્રથમ પાંચ બોલમાં 24 રન બનાવી લીધા હતા. છેલ્લા બોલ પર ચેન્નઈને 2 રનની જરૂર હતી. આ બોલ પર ધોની શોટ મારવાનું ચુકી ગયો અને રન લેવા માટે દોડ્યો હતો. વિકેટકીપર પાર્થિવ પટેલે સીધા થ્રો સ્ટમ્પમાં મારીને શાર્દુલ ઠાકુરને રન આઉટ કર્યો હતો. આ સાથે બેંગલુરૂએ આ સિઝનમાં પોતાનો ત્રીજો વિજય મેળવ્યો છે. ધોનીએ 48 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા હતા. બેંગલુરૂએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 160 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબીએ આપેલા 162 રનના જવાબમાં ઉતરેલી ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી. વોટસન 3 બોલ પર 5 રન બનાવી આઉટ થયો હતો. ડેલ સ્ટેને તેને સ્લિપમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદના બોલ પર સ્ટેને સુરેશ રૈનાને બોલ્ડ કરીને ચેન્નઈને બીજો ઝટકો આપ્યો હતો. રૈના ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. 


ઈનિંગની ચોથી ઓવરમાં ફાફ ડુ પ્લેસિસને ઉમેશ યાદવે ડિવિલિયર્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ફાફ 15 બોલમાં પાંચ રન બનાવી આઉટ થયો હતો. ઉમેશે છઠ્ઠી ઓવરમાં કેદાર જાધવને પણ આઉટ કરીને બેંગલોરને ચોથી સફળતા અપાવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે 28 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. 


જાધવ આઉટ થયા બાદ અંબાતી રાયડૂ અને કેપ્ટન ધોનીએ પાંચમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. બંન્નેએ ટીમનો સ્કોર 83 રન પર પહોંચાડ્યો હતો. ત્યારે ઈનિંગની 14મી ઓવરમાં રાયડૂ (29)ને યુજવેન્દ્ર ચહલે બોલ્ડ કર્યો હતો. રાયડૂએ 29 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.  ટીમનો સ્કોર 108 રનો હતો ત્યારે રવિન્દ્ર જાડેજા 11 રન બનાવી રનઆઉટ થયો હતો. આ દરમિયાન ધોનીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો ધોનીએ આઈપીએલમાં કેપ્ટન તરીકે પોતાના 4000 રન પૂરા કર્યાં હતા. ભારતના પૂર્વ કેપ્ટને આઈપીએલમાં પોતાની 200 સિક્સ પણ પૂરી કરી હતી. 


ઈનિંગની 19મી ઓવરના અંતિમ બોલ પર નવદીપ સૈનીએ ડ્વેન બ્લાવોને આઉટ કરીને ચેન્નઈને સાતમો ઝટકો આપ્યો હતો. 


રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ
પાર્થિવ પટેલની અડધી સદી અને મોઈન અલીની અંતિમ ઓવરોમાં આક્રમક ઈનિંગથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે નિયમિત અંતરે વિકેટ ગુમાવ્યા છતાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સાત વિકેટ પર 161 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન પાર્થિવ પટેલે 16મી ઓવરમાં આઉટ થયા પહેલા 37 બોલ પર 53 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ વિકેટકીપર બેટ્સમેને એબી ડિવિલિયર્સ (19 બોલ પર 25 રન)ની સાથે 47 અને અક્ષદીપ નાથ (20 બોલ પર 24 રન)ની સાથે 41 રનની ભાગીદારી કરી હતી. ગત મેચમાં શાનદાર પ્રદર્શન છતાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા મોઈન અલીએ 16 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. 


ચેન્નઈ તરફથી દીપક ચહર (25 રન બે વિકેટ), રવિન્દ્ર જાડેજા (29 રન આપીને બે) અને ડ્વેન બ્રાવો (34 રનમાં બે)એ બે-બે વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી માટે કંઇ અનુકૂળ ન રહ્યું. તે પહેલા ટોસ હાર્યો અને બાદમાં માત્ર નવ રન બનાવીને આઉટ થયો હતો. દીપલ ચહરના બોલ પર ધોનીએ તેનો કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ એબી અને પાર્થિવે મોટા શોટ્સ ફટકાર્યા હતા. 


પરંતુ અંતમાં ડિવિલિયર્સને આ પ્રકારનો શોટ રમવાનું મોંઘુ પડ્યું હતું. જાડેજાના બોલ પર તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. અક્ષદીપ પણ મોટા શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. 


કોહલીનો ગત મેચમાં ધમાકેદાર અડધી સદી ફટકારનાર મોઈન અલીને ઉપરના ક્રમમાં ન મોકલવાનો નિર્ણય ચોંકવનારો રહ્યો હતો. પાર્થિવ અડધી સદી બાદ બ્રાવોનો શિકાર બન્યો અને અલીએ ક્રીઝ પર પર રાખ્યો હતો. તેણે અંતિમ ઓવરમાં આઉટ થતાં પહેલા પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ડુ પ્લેસિસે આ વચ્ચે માર્કસ સ્ટોઇનિસ (14)ના છ રન માટે જઈ રહેલા શોટને અન્ય ફીલ્ડરના હાથે કેચમાં બદલીને શાનદાર ફીલ્ડિંગનો વધુ એક પરિચય આપ્યો હતો.