જયપુરઃ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ સિઝન-12ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો ત્રીજો વિજય છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 162 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. રાજસ્થાન તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે અણનમ 59 રન ફટકાર્યા હતા. તેણે 48 બોલની ઈનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનને એક ઓવરમાં લાગ્યા બે ઝટકા
રાજસ્થાનની ઈનિંગની ચોથી ઓવરમાં રાહુલ ચહરે પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે રહાણેને 12 રન પર સૂર્યકુમાર યાદવના હાથે કેચ કરાવ્યો હતો. 8મી ઓવરમાં રાહુલ ચહરે રાજસ્થાની રન ગતિ પર બ્રેક લગાવતા બે બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. તેણે ઓવરના બીજા બોલ પર સંજૂ સૈમસન અને અંતિમ બોલ પર બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા. સંજૂએ 19 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટોક્સ શૂન્ય પર આઉટ થયો હતો. 


યુવા ખેલાડી રયાન પરાગની શાનદાર બેટિંગ
રાજસ્થાને 77 રન પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ સ્ટીવ સ્મિથનો સાથ આપવા માટે રયાન પરાગ ક્રીઝ પર આવ્યો હતો. આ 17 વર્ષના યુવા બેટ્સમેને શાનદાર બેટિંગ કરતા પોતાની ટીમને જીતની નજીક પહોંચાડી હતી. તેણે સ્ટીવ સ્મિથ સાથે ચોથી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. પરાગ (43) રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે 29 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 


એસ્ટોન ટર્નર ફરી આ મેચમાં પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેને 19મી ઓવરના પ્રથમ બોલ પર જસપ્રીત બુમરાહે LBW આઉટ કર્યો હતો. 


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ક્વિન્ટન ડિ કોકના 65 રનની ધમાકેદાર ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 


મુંબઈની શરૂઆત ખરાબ રહી હતીય ધીમી શરૂઆત બાદ મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો અને રોહિત શર્મા 5 રન બનાવી આઉટ થયો હતો. તેને રાજસ્થાનના બોલર શ્રેયસ ગોપાલે કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ડિ કોક અને સૂર્યકુમાર યાદવે મળીને ઘણા મોટા શોટ ફટકાર્યા અને ટીમને 14 ઓવરમાં 108 રનના સ્કોર સુધી લઈ ગયા હતા. 


ત્યારબાદ 14મી ઓવરમાં જ 5માં બોલ પર સ્ટુઅર્ટ બિન્નીએ સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. સૂર્યકુમારે 33 બોલમાં 34 રન બનાવ્યા હતા. ત્યારબાદની ઓવરમાં ખતરનાક લયમાં દેખાઈ રહેલા ડિ કોકને શ્રેયસ ગોપાલને આઉટ કર્યો હતો. ડિ કોલે 47 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 65 રન ફટકાર્યા હતા. ત્યારબાદ જયદેવ ઉનડકટે 17મી ઓવરમાં રાજસ્થાનને કીરોન પોલાર્ડના રૂપમાં ત્રીજી સફળતા અપાવી હતી. પોલાર્ડે 7 બોલમાં 10 રન બનાવ્યા હતા. 


મુંબઈ માટે હાર્દિક પંડ્યાએ 15 બોલ પર 23 રન બનાવ્યા હતા. તેને જોફ્રા આર્ચરે આઉટ કર્યો હતો. આ પહેલા જોફ્રાએ બે વાર હાર્દિકનો કેચ છોડ્યો હતો. હાર્દિક સિવાય બેન કટિંગે 13 અને ક્રુણાલ પંડ્યાએ 2 રન બનાવીને ટીમને 161 સુધી પહોંચાડી હતી.