જયપુરઃ ઘણી હાર બાદ આખરે પોતાના મેદાન પર જીત્યા બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપિટલ્સ સોમવારે (22 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલ મુકાબલામાં આ લયને જાળવી રાખવા ઈચ્છશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીએ અત્યાર સુધી ઘરેલૂ મેદાનની જગ્યાએ બહાર શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ શનિવારે તેણે કોટલા પર કિંગ્સ ઈલેવન પંજાબને પાંચ વિકેટે હરાવવામાં સફળતા મેળવી હતી. બીજીતરફ રાજસ્થાને પણ મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમને હરાવી છે. સ્ટીવ સ્મિથની સુકાની ઈનિંગ રમીને મોરચાની આગેવાની કરી હતી. બંન્ને ટીમોએ પોતાના છેલ્લા મેચમાં વિજય મેળવ્યો છે એટલે સોમવારનો મેચ રોમાંચક થશે. 


રાજસ્થાનની ટીમ નવમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે તો તેના પર જીતવાનો વધુ દબાવ હશે. નવા કેપ્ટન સ્મિથની સાથે રાજસ્થાનની ટીમ ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. ટીમને ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરની ખોટ પડશે. અંજ્કિય રહાણેને ખરાબ પ્રદર્શનને કારણે સુકાની પદેથી હટાવવામાં આવ્યો છે અને ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં તેની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ઉતારી શકાય છે. ત્રિપાઠીએ કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 45 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે રહાણેએ 26 રન બનાવ્યા હતા અને ટીમ 12 રને હારી ગઈ હતી. કોણીની ઈજામાંથી બહાર આવીને સ્મિથે વાપસી કરી છે. સંજૂ સૈમસન અને રિયાન પરાગનું પ્રદર્શન પણ સારૂ રહ્યું છે. અંતિમ ઓવરોમાં બોલિંગ જરૂર ચિંતાનો વિષય છે. જોફ્રા આર્ચર અને લેગ સ્પિનર શ્રેયસ ગોપાલને છોડીને બોલરો સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. 


બીજીતરફ દિલ્હીની પાસે મજબૂત બેટિંગ ક્રમ છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પંજાબ વિરુદ્ધ 41 બોલમાં 56 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 49 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. આ સિવાય પૃથ્વી શો, રિષભ પંત અને કોલિન ઇન્ગ્રામ બેટિંગ ક્રમને મજબૂત બનાવે છે. બોલિંગમાં કાગિસો રબાડા શાનદાર ફોર્મમાં છે. ઇશાંત શર્મા, સ્પિનર સંદીપ લામિછાને, અમિત મિશ્રા અને અક્ષર પટેલ પણ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે.