નવી દિલ્હીઃ ફિરોઝશાહ કોટલામાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 37મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો છઠ્ઠો વિજય મેળવ્યો છે. આ સાથે દિલ્હીના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે નિર્ધારિત 20 ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 166 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર 49 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી શિખર ધવને પણ અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીને ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. મનદીપ સિંહે પૃથ્વી શોને રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ ધવન અને શ્રેયસ અય્યરે સાથે મળીને મોટી ભાગીદારી કરી હતી. ધવને 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી છે. 


13મી ઓવરના ત્રીજા બોલ પર ધવન 56 રન બનાવી આઉટ થયો હતો. ધવને 41 બોલ પર 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેને હાર્ડસ વિલ્જોને આર અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 16મી ઓવરમાં રિષભ પંત 6 રન બનાવી આઉટ થયો હતો. કોલિન ઇન્ગ્રામ (19)ને શમીએ બોલ્ડ કર્યો હતો. તેણે 9 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન દિલ્હીના કેપ્ટન શ્રેયર અય્યરે 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અક્ષર પટેલ 1 રન બનાવી રનઆઉટ થયો હતો. 


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ક્રિસ ગેલ (69) તોફાની ઈનિંગની મદદથી દિલ્હીને 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 


લામિછાનેએ દિલ્હી તરફથી 4 ઓવરમાં 40 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી આ સિવાય રબાડાએ 4 ઓવરમાં 23 રન આપીને બે અને અક્ષર પટેલે 3 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


પંજાબની ઈનિંગ
પંજાબની શરૂઆત અસરદાર ન રહી અને બીજી ઓવરમાં કેએલ રાહુલ 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો. સંદીપ લામિછાનેને આ સફળતા મળી હતી. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં રબાડાએ મયંક અગ્રવાલને આઉટ કર્યો હતો. 


ત્યારબાડ ડેવિડ મિલર પણ બે આંકડાના સ્કોરમાં ન પહોંચી શક્યો અને 8મી ઓવરમાં અક્ષર પટેલે તેને પૃથ્વી શોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પ્રકારે પંજાબને ત્રીજો ઝટકો લાદ્યો હતો. આ વચ્ચે ક્રિસ ગેલ પોતાની તોફાની ધુનમાં જોવા મળી રહ્યો હતો. તેણે 25 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. 


એક ઓવરમાં લામિછાનેએ અપાવી બે સફળતા
પરંતુ 13મી ઓવરના ત્રીજા બોલ પર લામિછાનેએ ગેલને અક્ષર પટેલને હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગેલે 37 બોલની ઈનિંગમાં 69 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આજ ઓવરમાં લામિછાનેએ પંજાબને વધુ એક ઝટકો આપ્યો હતો. 


તેએ ઓવરના અંતિમ બોલ પર સેમ કરન ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ 17મી ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલે મનદીપ સિંહને 30 રન પર આઉટ કર્યો હતો. 


અંતિમ ઓવરમાં કેપ્ટન અશ્વિન 14 બોલ પર 16 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો.