IPL 2019: પ્લેઓફ માટે 1 સ્થાન બાકી, કોલકત્તા અને હૈદરાબાદ દાવેદાર
કોલકત્તા જો આજે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપે તો તે પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નઈની ટીમ હાલમાં 13 મેચો બાદ 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
મુંબઈઃ દિનેશ કાર્તિકની આગેવાની વાળી ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સનો સામનો આજે (રવિવાર) 3 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે કોલકત્તા માટે આ મેચ મહત્વની છે. આ મેચ પર સનરાઇઝર્સ હૈદરાબાદનું ભવિષ્ય પણ નિર્ભર કરે છે કે ટીમ પ્લેઓફમાં પહોંચશે કે તેણે લીગ સ્ટેજમાંથી વિદાય લેવી પડશે.
કેકેઆર માટે જીત જરૂરી
કોલકત્તાની ટીમ જો આજે રોહિતની ટીમ વિરુદ્ધ જીત મેળવે તો તે પ્લેઓફમાં સ્થાન મેળવી લેશે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલને જુઓ તો ચેન્નઈની ટીમ હાલમાં 13 મેચોમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેની એક મેચ બાકી છે. ચેન્નઈ અંતિમ લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટકરાશે. પંજાબની ટીમ 10 પોઈન્ટ સાથે સૌથી નીચે છે.
હૈદરાબાદનું ભવિષ્ય આ મેચ પર નિર્ભર
આ સાથે હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની આશા મુશ્કેલ લાગી રહી છે. હવે ટીમનું ભવિષ્ય કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચ પર નિર્ભર છે. જો કોલકત્તા હારી જશે તો હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી જશે. બંન્ને ટીમોના 12-12 પોઈન્ટ છે. હૈદરાબાદે તેના અંતિમ લીગ મેચમાં શનિવારે આરસીબી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
સીએસકે હાલમાં 18 પોઈન્ટની સાથે ટોપ પર છે જ્યારે દિલ્હી કેપિટલ્સના પણ 18 પોઈન્ટ છે પરંતુ નેટ રનરેટ ઓછી હોવાના કારણે ટીમ બીજા સ્થાન પર છે. મુંબઈના 16 પોઈન્ટ છે. અસલી ટક્કર હૈદરાબાદ અને કોલકત્તા વચ્ચે થશે કારણ કે બંન્ને ટીમોના 12-12 પોઈન્ટ છે. કોલકત્તાનો એક મેચ બાકી છે. જ્યારે લીગ રાઉન્ડમાં હૈદરાબાદની તમામ મેચ પૂર્ણ થઈ ગઈ છે. રાજસ્થાનની આશા પણ દિલ્હી સામે હાર્યા બાદ ધોવાઈ ગઈ છે.
પ્લેઓફમાં પહોંચી 3 ટીમ
3 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પણ પહેલા પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી ચુકી છે. આ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફમાં પહોંચી ગયા છે.