જયપુરઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સુનિલ નરેન (47) અને ક્રિસ લિન (50)ની શાનદાર બેટિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 21માં મેચમાં રાજસ્થાન રોયલ્સને તેના ઘરઆંગણે 8 વિકેટે પરાજય આપીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 139 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાસિલ કરી 8 વિકેટે જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તાને ચોથી ઓવરમાં મોટો ઝટકો લાગવાથી તે સમયે બચી ગયો જ્યારે ધવલ કુલકર્ણીના બોલ પર રાહુલ ત્રિપાઠીએ નરેનનો કેચ છોડ્યો હતો. તે સમયે નરેન 23 રન બનાવીને રમી રહ્યો હતો. ત્યારબાદ કુલકર્ણીનો આગામી બોલ સ્ટમ્પ પર લાગ્યો, પરંતુ બેલ્સ ન પડ્યા અને નિરાશા હાથ લાગી હતી. 


રાજસ્થાનને 9મી ઓવરના ત્રીજા બોલ પર સફળતા હાસિલ થઈ હતી. ખતરનાક લયમાં રમી રહેલ સુનિલ નરેનને શ્રેયસ ગોપાલે સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. નરેને 3 સિક્સ અને 6 ચોગ્ગાની મદદથી 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ 11મી ઓવરના 5માં બોલ પર શ્રેયસ ગોપાલ અને રાજસ્થાનને બીજી સફળતા મળી હતી. ક્રિસ લિન 50 રન બનાવીને આઉટ થયો હતો. રોબિન ઉથપ્પા 16 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 26 રન ફટકારી અણનમ રહ્યો હતો. 


રાજસ્થાનની ધીમી ઈનિંગ
સ્ટીવ સ્મિથના 73 રનની મદદથી રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. રાજસ્થાનને બીજી ઓવરના કેકેઆરના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઝટકો આપ્યો હતો. તેણે કેપ્ટન અંજ્કિય રહાણેને 5 રન પર LBW આઉટ કર્યો હતો. 


ત્યારબાદ બટલરે સ્મિથની સાથે મળીને ઈનિંગને 5 રનથી 77 રન સુધી પહોંચાડી હતી. પરંતુ ઈનિંગની 12મી ઓવરમાં રાજસ્થાનને જોસ બટલરના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. બટલર 37 રન બનાવીને હૈરી ગર્નેનો શિકાર નબ્યો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ સ્ટીવ સ્મિથની સાથે મળીને 38 રનની ભાગીદારી કરી હતી પરંતુ 16મી ઓવરમાં ત્રિપાઠીએ પોતાની વિકેટ ગુમાવી હતી. 


તેને પણ હૈરી ગર્ને પીયૂષ ચાવલાના હાથે કેચ કરાવ્યો હતો. ત્રિપાઠી 8 બોલ પર માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. 


અંતની 4 ઓવરમાં બન્યા માત્ર 33 રન
રાજસ્થાને અંતની ઓવરોમાં પણ ખૂબ ધીમી બેટિંગ કરી હતી. અંતની 4 ઓવરોમાં વિકેટ ગુમાવ્યા વિના માત્ર 33 રન બનાવ્યા હતા. સ્મિથ અને બેન સ્ટોક્સ (અણનમ 7 રન)ની સાથે ચોથી વિકેટ માટે 34 રનની અણનમ ભાગીદારી કરી રાજસ્થાનને 3 વિકેટ પર 139 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. સ્ટોક્સે 7 રન બનાવવા માટે 14 બોલનો સહારો લીધો હતો. 


સ્મિથે 59 બોલની ઈનિંગમાં 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કોલકત્તા તરફથી આઈપીએલમાં પોતાનો પ્રથમ મેચ રમી રહેલા ગુર્નેએ 25 રન આપીને 2 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 35 રન પર એક વિકેટ ઝડપી હતી.