ક્રુણાલ પંડ્યાનું મોટુ દિલ, ન કર્યો અગ્રવાલને આઉટ
અગ્રવાલ નોન-સ્ટ્રાઇકર પર આગળ નિકળી ચુક્યો હતો પરંતુ ક્રુણાલે તેને આઉટ ન કર્યો અને વોર્નિંગ આપીને છોડી દીધો હતો.
મોહાલીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને માંકડિંગ કર્યાના વિવાદ બાદ માકડિંગ ફરી એકવાર ચર્ચામાં આવતા-આવતા રહી ગયું. મુંબઈ ઈન્ડિયન્સના ક્રુણાલ પંડ્યાએ કિંગ્સ ઈલેવન પંજાબના મયંક અગ્રવાલને નોન-સ્ટ્રાઇક પર રન આઉટ ન કરવાનો નિર્ણય કર્યો હતો. અગ્રવાલ બોલિંગ રિલીઝ કર્યા પહેલા ક્રીઝની બહાર નિકળી ગયો હતો પરંતુ ક્રુણાલે તેને ચેતવણી આપીને છોડી દીધો હતો.
આ ઘટના શનિવારે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સના મેચની છે. આ ઘટના કિંગ્સની ઈનિંગની 10મી ઓવરની છે. અગ્રવાલ 19 રન બનાવી બેટિંગ કરી રહ્યો હતો. તેણે મેચમાં 21 બોલ પર 43 રન ફટકાર્યા હતા. તેણે પંજાબની ઈનિંગને ગતી આપી હતી. તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબનો સ્કોર 1 વિકેટ પર 80 રન હતો. જ્યારે અગ્રવાલ આઉટ થયો ત્યારે કિંગ્સ ઈલેવનને 39 બોલ પર 60 રનની જરૂર હતી.
આઈપીએલની પ્લેઈંગ કંડીશન અને લો 41.16 પ્રમાણે ક્રુણાલની પાસે અગ્રવાલને આઉટ કરવાનો અધિકાર હતો. પરંતુ બેટ્સમેનને વોર્નિંગ આપવાનો કોઈ નિયમ નથી પરંતુ ક્રુણાલે અગ્રવાલને ક્રીઝમાં રહેવાનું કહ્યું હતું.
શું છે માંકડિંગ અને શું છે આ વિવાદ
ત્યારબાદ ટીવી કેમેરો કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પર ફોકસ થઈ ગયો હતો. સોમવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અશ્વિને જોસ બટલરને નોન-સ્ટ્રાઇકર છેડા પર ક્રીઝની બહાર નિકળવા પર રનઆઉટ કરી દીધો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા અને ઘણા પૂર્વ ક્રિકેટરોએ આ મુદ્દાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ તેને નિયમો પ્રમાણે યોગ્ય ગણાવ્યું તો ઘણા લોકો રમત ભાવનાની વિરુદ્ધ ગણાવીને તેની ટીક્કા કરી રહ્યાં હતા.