હૈદરાબાદઃ પોતાના છેલ્લા બે મેચમાં પરાજયનો સામનો કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવાર (14 એપ્રિલ)એ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ઉતરશે. બે પરાજય બાદ હૈદરાબાદની ટીમને પાંચ દિવસનો આરામ મળ્યો અને હવે આ ટીમ ફરીથી વિજયરથ પર સવાર થવા મેદાન પર ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેને મોહાલીમાં પંજાબ સામે મળેલા પરાજય પર વિચાર કરવા માટે પાંચ દિવસનો સમય મળ્યો હતો. બીજીતરફ દિલ્હી કેપિટલ્સની ટીમ સતત બે મેચ જીતીને અહીં પહોંચી છે. તેણે બેંગલોર અને કોલકત્તાને તેના ઘરમાં પરાજય આપ્યો છે. હૈદરાબાદની ટીમ પોતાના મિડલઓર્ડર બેટ્સમેનના ફોર્મથી પરેશાન છે. ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ ટીમને સારી શરૂઆત અપાવી છે, પરંતુ જ્યારે આ બંન્ને ખેલાડી જલ્દી આઉટ થઈ જાય ત્યારે ટીમ વેર-વિખેર થઈ જાય છે. દિલ્હી સામેની મેચમાં કેન વિલિયમસન વાપસી કરી શકે છે. જો તે ફીટ હશે તો મોહમ્મદ નબીએ પોતાનું સ્થાન ગુમાવવું પડી શકે છે. વિલિયમસન ટીમમાં પરત ફરતા ટીમનું મિડલ ઓર્ડર વધુ મજબૂત થઈ જશે. 


તો બીજીતરફ બેંગલોર અને કોલકત્તાને તેના ઘરમાં પરાજય આપ્યા બાદ દિલ્હીની ટીમ ઉત્સાહિત છે. કોલકત્તા સામે શિખર ધવને અણનમ 97 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. ધવન ફોર્મમાં પરત ફરતા દિલ્હીની ટીમને રાહત થઈ છે. બીજીતરફ રિષભ પંત પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બોલિંગમાં રબાડાએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. તેના પર પણ તમામની નજર રહેશે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.