મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા પંજાબ અને મુંબઈ વચ્ચેના દિલધડક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 3 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈને અંતિમ બોલ પર જીતવા માટે 2 રનની જરૂર હતી ત્યારે અલઝારી જોસેફે બે રન લઈને મુંબઈને વિજય અપાવ્યો હતો. પોલાર્ડે 31 બોલમાં 10 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 83 રન ફટકારીને મુંબઈને શાનદાર વિજય અપાવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેએલ રાહુલે સદી ફટકારી હતી. જેના જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 198 રન બનાવીમેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈને ચોથી ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ શમીએ પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે સિદ્દેશ લાડને 15 રન પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ 8મી ઓવરમાં સૈમ કરનના બોલ પર સૂર્યકુમાર યાદવ 21 રન બનાવી આઉટ થઈ ગયો હતો. આ ઝટકામાંથી મુંબઈ બહાર આવે તે પહેલા 9મી ઓવરના 5માં બોલ પર ડિકોક 24 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિનની બોલિંગમાં ડેવિડ મિલરે શાનદાર કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ અને ઈશાન કિશને મુંબઈની ઈનિંગ સંભાળી હતી. ત્યારબાદ ઈનિંગની 12મી ઓવરમાં સૈમ કરને ઈશાન કિશન (7)ને રન આઉટ કરીને મુંબઈને ચોથો ઝટકો આપ્યો હતો. 


એક ઓવરમાં પંડ્યા બ્રધર્સ થયા આઉટ
ઈશાન કિશન આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા શાનદાર લયમાં જોવા મળી રહ્યો હતો પરંતુ મોહમ્મદ શમીએ તેને 19 રન પર 16મી ઓવરના પ્રથમ બોલ પર ડેવિડ મિલરને હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર શમીએ ક્રુણાલ પંડ્યા પણ આઉટ થયો હતો. ક્રુણાલે 2 બોલ પર 1 રન બનાવ્યા હતા. 


પંજાબની ઈનિંગનો રોમાંચ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે કેએલ રાહુલની ધમાકેદાર બેટિંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ પર 197 રન બનાવ્યા હતા. 


પંજાબ તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 100 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની આ ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ક્રિસ ગેલે 63 રનનું યોગદાન આપ્યું હતું. 


પંજાબની શરૂઆત શાનદાર રહી હતી. ગેલ અને રાહુલે પ્રથમ વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ પંજાબને ઈનિંગની 13મી ઓવરમાં જેસન બેહરેનડોર્ફે પ્રથમ ઝટકો આપ્યો હતો. શાનદાર લયમાં નજર આવી રહેલો ગેલ 36 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આ ઈનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ 15મી ઓવરમાં પંજાબને બીજો ઝટકો લાગ્યો હતો. ડેવિડ મિલર 7 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટ પડવાનો આ સિલસિલો ચાલું રહ્યો હતો. 17મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ કરૂણ નાયરને 5 રન પર પેવેલિયન પરત મોકલી દીધો હતો. તો 18મી ઓવરના ત્રીજા બોલ પર બુમરાહે સૈમ કરનને 8 રન બનાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


રાહુલની આઈપીએલમાં પ્રથમ સદી
આ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં રહેલ કેએલ રાહુલે ફરી આજે વાનખેડે સ્ટેડિયમમમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેના આઈપીએલ કરિયરની પ્રથમ સદી છે. તેણે 64 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે પ્રથમ વિકેટ માટે ગેલ સાથે શાનદાર ભાગીદારી કરીને ટીમને આક્રમક શરૂઆત પણ અપાવી હતી. 


ગેલની આઈપીએલમાં 26મી અડધી સદી 
ગેલે 31 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં તેની બીજી તો ટૂર્નામેન્ટમાં ઓવરઓલ 26મી અડધી સદી છે. ગેલે 36 બોલનો સામનો કરતા 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 63 રન ફટકાર્યા હતા.