મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-12ના અંતિમ લીગ મેચ (56મો મેચ)માં કોલકત્તા નાઇટ રાઇડર્સને 9 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પ્રથમ ક્વોલિફાયર રમશે. કોલકત્તાના પરાજય સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (12 પોઈન્ટ) પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. 12 પોઈન્ટ સાથે પ્લેઓફની ટિકિટ મેળવનારી હૈદરાબાદ આઈપીએલના ઈતિહાસની પ્રથમ ટીમ બની છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા (55*) અને સૂર્યકુમાર (46*)ની મદદથી 16.1 ઓવરમાં 134 રન બનાવી 9 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ 48 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવ 27 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. 


134 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને રોહિત શર્મા અને ડી કોકે શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં કુલ 46 રન જોડ્યા હતા. ઈનિંગની સાતમી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ડી કોક (30)ને દિનેશ કાર્તિકના શાનદાર કેચ દ્વારા કોલકત્તાને પ્રથમ સફળતા અપાવી હતી. ડી કોકે 23 બોલમાં 3 છગ્ગા અને એક બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો હતો. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા આ સિઝનની બીજી અડધી સદી ફટકારી હતી. 


લિન કોલકત્તાનો હાઇએસ્ટ સ્કોરર રહ્યો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ પર 133 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે ઈનિંગના અંતિમ બે બોલ પર 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય લસિથ મલિંગાએ 3 અને હાર્દિક પંડ્યાએ બે વિકેટ પોતાના નામે કરી હતી. કોલકત્તા તરફથી ક્રિસ લિન 41 રન બનાવીને હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. રોબિન ઉથપ્પાએ પણ 40 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 26 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય તમામ બેટ્સમેનો બે આંકડામાં પહોંચવામાં અસફળ રહ્યાં હતા. 


પાવરપ્લેમાં કોલકત્તાની મજબૂત શરૂઆત
કોલકત્તાએ પાવરપ્લેમાં વિના વિકેટે 49 રન બનાવી લીધા હતા, પરંતુ સાતમી ઓવરના પ્રથમ બોલ પર હાર્દિક પંડ્યાએ શુભમન ગિલ (9 રન)ને આઉટ કર્યો હતો. લિન (41)ને પંડ્યાએ તેજ ઓવરમાં આઉટ કરીને કોલકત્તાને બે ઝટકા આપ્યા હતા. ડિ કોકે વિકેટની પાછળ શાનદાર કેચ ઝડપ્યો હતો. દિનેશ કાર્તિક 9 બોલમાં 3 રન બનાવી શક્યો હતો. લસિથ મલિંગાએ તેને મિડવિકેટ પર ક્રુણાલ પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદના બોલ પર મલિંગાએ આ સિઝનના સૌથી વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલને ગોલ્ડન ડક પર ડી કોકના હાથે કેચ કરાવીને મુંબઈને સૌથી મોટી સફળતા અપાવી હતી. 


બુમરાહને અંતિમ ઓવરમાં મળી બે સફળતા
નીતીશ રાણાને પણ મલિંગાએ આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. નીતીશ 3 છગ્ગાની મદદથી 26 રન બનાવી આઉટ થયો હતો. ઉથપ્પાએ 1 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 47 બોલમાં 40 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે તેને ઈનિંગની અંતિમ ઓવરની પાંચમી બોલ પર રોહિતના હાથે કેચ કરાવ્યો હતો. છેલ્લા બોલ પર રિંકુ સિંહ પણ કેચ આઉટ થઈ ગયો હતો.