મુંબઈઃ જોસ બટલર (89)ની તોફાની ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ સિઝન12ના 27માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને તેના ઘરમાં 4 વિકેટથી પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 188 રન બનાવી લીધા અને મુંબઈને હરાવ્યું હતું. રાજસ્થાન માટે બટલરે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. તેણે 43 બોલમાં 8 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રહાણેએ 37 રનનું યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને અંજ્કિય રહાણે અને જોસ બટલરે શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 59 રન ફટકારી દીધા હતા. ઈનિંગની સાતમી ઓવરમાં રહાણે (37) ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. રહાણેએ 21 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. ત્યારબાદ સંજૂ સૈમસન અને જોસ બટલરે બીજી વિકેટ માટે 87 રન જોડ્યા હતા. બટલરે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 43 બોલનો સામનો કરતા 89 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાને 147 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સંજૂ સૈમસન (31)ને જસપ્રીત બુમરાહે LBW આઉટ કર્યો હતો. સૈમસને 26 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી 1 રન બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. લિવિંગસ્ટોનને પણ ક્રુણાલે બોલ્ડ કરીને રાજસ્થાનને પાંચમો ઝટકો આપ્યો હતો. 


મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગનો રોમાંચ
ક્વિન્ટન ડિ કોક (81) બાદ અંતમાં હાર્દિક પંડ્યાની આક્રમક ઈનિંગની મદદથી મુંબઈએ 20 ઓવરમાં 187 રન બનાવ્યા હતા. સારી શરૂઆત બાદ વચ્ચેની ઓવરમાં કેટલિક વિકેટ પડવાને કારણે રનગતિ પર બ્રેક લાગી ગઈ હતી. પરંતુ હાર્દિકે 11 બોલ પર ત્રમ સિક્સ અને એક ચોગ્ગાની મદદથી અણનમ 28 રન ફટકારીને મુંબઈને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ગત મેચમાં ઈજાને કારણે આરામ કરનાર રોહિત શર્માએ સારી વાપસી કરી હતી. તેણે 32 બોલ પર છ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 47 રન બનાવ્યા હતા. 


સૂર્યકુમાર યાદવ માત્ર 16 રન બનાવી શક્યો હતો. તે 117ના કુલ સ્કોર પર આઉટ થયો હતો. ગત મેચમાં તોફાની ઈનિંગ રમનાર કીરોન પોલાર્ડ આ મેચમાં માત્ર છ રન બનાવી શક્યો હતો. તો ક્રુણાલ પંડ્યા શૂન્ય રન પર અણનમ રહ્યો હતો. રાજસ્થાન માટે આર્ચરે ત્રણ વિકેટ ઝડપી હતી. ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટને એક-એક સફળતા મળી હતી. 


મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્મા અને ડિ કોકે સારૂ શરૂઆત અપાવી હતી. આ બંન્નેએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. 11મી ઓવરમાં રોહિત શર્માને જોફ્રા આર્ચરે જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોહિત 47 રન બનાવી આઉટ થયો હતો. તેણે 32 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 


ત્યારબાદ રાજસ્થાનના બોલર ધવલ કુલકર્ણીએ સૂર્યકુમાર યાદવને બોલ્ડ કરતા મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર 16 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની 10 બોલની ઈનિંગમાં એક સિક્સ ફટકારી હતી. 17મી ઓવરમાં જોફ્રા આર્ચરે પોલાર્ડને આઉટ કરીને રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ ચોથી વિકેટના રૂપમાં ડિ કોક (81) અને પાંચમી વિકેટના રૂપમાં ઈશાન કિશન (5) આઉટ થયા હતા. આ રોહિતનો મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે 100મો મેચ હતો જેમાં હવે બંધ થઈ ચુકેલી ચેમ્પિયન્સ લીગ ટી-20ના મેચ પણ સામેલ છે. આ મુંબઈનો ઓવરઓલ 200મો મેચ હતો.