IPL: ભારતની વિશ્વકપ ટીમમાં રાજસ્થાન રોયલ્સનો એકપણ ખેલાડી નહીં
ભારતની વિશ્વકપની ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે અને આ સમયે વિશ્વકપની ટીમમાં પસંદ કરાયેલા ખેલાડી આઈપીએલમાં કોઈને કોઈ ફ્રેન્ચાઇઝી માટે રમીને પોતાના કૌશલ્યને વધુ મજબૂત કરી રહ્યાં છે. પરંતુ ચોંકવનારી વાત છે કે, રાજસ્થાન રોયલ્સની ટીમમાં કોઈપણ એવો ખેલાડી નથી, જેને ભારતની વિશ્વકપની ટીમમાં સ્થાન મળ્યું હોય.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આ આઈપીએલથી પોતાના વિશ્વ કપ મિશન માટે તૈયારી કરી રહી છે. આ લીગની 8 ટીમોમાં ટીમ ઈન્ડિયા માટે રમતા ઘણા સ્ટાર ક્રિકેટર છે. સોમવારે ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિએ ભારતના વિશ્વ કપ મિશન માટે જે 15 ખેલાડીઓની પસંદગી કરી છે તે બધા આ લીગમાં કોઈને કોઈ ટીમના સભ્ય છે. પરંતુ ચોંકવનારી વાત છે કે રાજસ્થાન રોયલ્સની ટીમમાં એકપણ એવો ખેલાડી નથી, જેને વિશ્વકપ જનારી ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હોય, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના સૌથી વધુ 3-3 ખેલાડીઓને વિશ્વકપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
રાજસ્થાન રોયલ્સની ટીમની રૂપ-રચના જોઈને આ ચોંકાવનારૂ લાગે છે. સીમિત ઓવરોની આ ક્રિકેટ લીગમાં રોયલ્સની ટીમે એક એવો ખેલાડી પોતાની ટીમમાં ન લીધો, જે સીમિત ઓવરોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી રમતો હોય. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે રોયલ્સની કમાન સંભાળી રહ્યો છે. રહાણેએ ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટી20 મેચ ઓગસ્ટ 2016માં રમી હતી. આંતરરાષ્ટ્રીય વનડેની વાત કરીએ તો રહાણેએ અંતિમ વનડે મેચ ફેબ્રુઆરી 2018માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.
રોયલ્સની ટીમમાં રહાણે સિવાય સંજૂ સૈમસન (1 T20I), જયદેવ ઉનડકટ અને સ્ટુઅર્ટ બિન્ની એવા ખેલાડી છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં રમી ચુક્યા છે. પરંતુ આ ત્રણેય ખેલાડી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. પરંતુ રોયલ્સની ટીમમાં ઘણા વિદેશી ખેલાડી એવા છે, જે વિશ્વકપમાં પોત-પોતાના દેશની ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. આ ફ્રેન્ચાઇઝી માટે રમનાર ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પહેલા ઓસ્ટ્રેલિયાની વિશ્વકપની ટીમમાં પોતાની જગ્યા બનાવી ચુક્યો છે, જ્યારે જોસ બટલર (ઈંગ્લેન્ડ), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) અને જોફ્રા આર્ચર (ઈંગ્લેન્ડ)ની પણ વિશ્વકપની ટીમમાં પસંદ થવાની સંભાવનાઓ છે.
IPLની કઈ ટીમમાંથી ભારતની વિશ્વકપ ટીમમાં કેટલા ખેલાડી
ચેન્નઈ સુપર કિંગ્સઃ 3
એમએસ ધોની
કેદાર જાધવ
રવીન્દ્ર જાડેજા
મુંબઈ ઈન્ડિયન્સઃ 3
રોહિત શર્મા
જસપ્રીત બુમરાહ
હાર્દિક પંડ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ 2
વિરાટ કોહલી
યુજવેન્દ્ર ચહલ
કિંગ્સ XI પંજાબઃ 2
મોહમ્મદ શમી
કેએલ રાહુલ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ 2
વિજય શંકર
ભુવનેશ્વર કુમાર
કોલકત્તા નાઇટ રાઇડર્સઃ 2
દિનેશ કાર્તિક
કુલદીપ યાદવ
દિલ્હી કેપિટલ્સઃ 1
શિખર ધવન
રાજસ્થાન રોયલ્સઃ કોઈ ખેલાડી નહીં
વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.