જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 14માં મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7 વિકેટે પરાજય આપીને પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે. તો બેંગલોરનો સતત ચોથા મેચમાં ચોથો પરાજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી જોસ બટલરે અડધી સદી ફટકારી હતી. તો સ્ટીવન સ્મિથે 38 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલ ત્રિપાઠીએ (34*) રન બનાવીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ સાથે રાજસ્થાને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનની ટીમે લક્ષ્યનો પીછો કરતા આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર જોસ બટલર અને કેપ્ટન રહાણેએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. અંજ્કિય રહાણે (22 રન)ને આઠમી ઓવરના ચોથા બોલ પર ચહલે  એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ત્યારબાદ જોસ બટલરે 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી બટલરની આ સિઝનમાં બીજી અડધી સદી છે. પરંતુ ત્યારબાદ રાજસ્થાનનો સ્કોર 104 રન હતો ત્યારે બટલર 43 બોલમાં 59 રન બનાવીને ચહલના બોલ પર સ્ટોઇનિસના હાથે કેચઆઉટ થયો હતો. બટલરે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 


ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને રાહુલ ત્રિપાઠીએ ત્રીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથ 19મી ઓવરના છેલ્લા બોલ પર 38 રન બનાવી આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

આરસીબીની ઈનિંગનો રોમાંચ
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. બેંગલોર તરફથી પાર્થિવ પટેલે સૌથી વધુ 67 રન ફટકાર્યા હતા. આ સિવાય માર્કસ સ્ટોઇનિસે અણનમ 31 રન બનાવ્યા હતા. કોહલી 23 રન, ડિવિલિયર્સ 13, હેટમેયરે 1 રન અને મોઈન અલીએ અણનમ 18 રનની ઈનિંગ રમી હતી. મોઇન અલીએ સ્ટોઇનિસ સાથે મળીને 20મી ઓવરમાં 17 રન બનાવ્યા અને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યું હતું. 


શ્રેયસ ગોપાલે કોહલી અને ડિવિલિયર્સને કર્યા શાંત
7મી ઓવરના ત્રીજા બોલ પર બેંગલુરૂને પ્રથમ ઝટકો લાગ્યો અને કેપ્ટન કોહલી આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 23 રન બનાવ્યા અને શ્રેયસ ગોપાલના બાદ પર આઉટ થયો હતો. કોહલી આઉટ થયા બાદ ગોપાલે બેંગલોરને બીજો ઝટકો આપતા ડિવિલિયર્સને આઉટ કર્યો હતો. 


એ બી 13 રન બનાવીને 9મી ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શ્રેયસે 11મી ઓવરમાં શિમરોન હેટમેયરને પેવેલિયન પરત મોકલી દીધો હતો. પાર્થિવ પટેલે થોડા સમય માટે વિકેટ પર લગામ લગાવી પરંતુ 18મી ઓવરના બીજા બોલ પર 67 રન બનાવીને આર્ચરનો શિકાર બન્યો હતો. પાર્થિવે 41 બોલમાં 9 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. 


બેંગલોર તરફથી શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 1 ઓવર મેડન ફેંકીને 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો જોફ્રા આર્ચને એક સફળતા મળી હતી.