IPL-2019: આ વખતે 346 ખેલાડીઓની થશે હરાજી, યુવરાજ-શમીની બેઝ પ્રાઇઝ 1 કરોડ
સૈમ કરન, બ્રેન્ડન મેક્કુલમ સહિત 9 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝન માટે યોજાનારી હરાજીમાં 346 ખેલાડીઓ ભાગ લેશે. આ હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મંગળવારે આ જાણકારી આપી હતી. આઈપીએલ-2019ની જયપુરમાં યોજાનારી હરાજી માટે 1003 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ લીગની આઠ ટીમોએ છટણી કરીને હવે 346 ખેલાડીઓની યાદી આઈપીએલની કાર્યકારી પરિષદને સોંપી દીધી છે.
IPL-2019ની હરાજી માટે પસંદ કરાયેલા 346 ખેલાડીઓમાંથી નવ ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. તેમાં સૈમ કરન, બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, કોલિન ઇંગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યુઝ અને ડાર્સી શોર્ટ સામેલ છે. ભારતનો જયદેવ ઉનડકટ ગત વર્ષે 11.5 કરોડમાં વેંચાયો હતો.
1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા ખેલાડીઓની યાદીમાં 10 ખેલાડી સામેલ છે. તેમાંથી ભારતનો જયદેવ ઉનડકટ અને નવ વિદેશી ખેલાડી છે. તેમાં ડેલ સ્ટેન અને મોર્ને મોર્કલ જેવા ખેલાડી છે. એક કરોડ બેઝ પ્રાઇઝમાં ચાર ભારતીય ખેલાડી સહિત કુલ 19 ખેલાડી હરાજીમાં ઉતરી રહ્યાં છે. યુવરાજ સિંહ, અક્ષર પટેલ અને મોહમ્મદ શમીની બેઝ પ્રાઇઝ એક કરોડ છે.
37નો થયો 'ફાઇટર' યુવરાજ, લીધા આ શપથ
75 લાખ રૂપિયા બેઝ પ્રાઇઝની યાદીમાં બે ભારતીય સહિત કુલ 18 ખેલાડીઓની હરાજી થશે. તેમાં ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્મા સામેલ છે. આ સિવાય 50 લાખ રૂપિયા બેઝ પ્રાઇસમાં કુલ 62 ખેલાડીઓ ઉતરશે. તેમાં 18 ભારતીય અને 44 વિદેશી ખેલાડી સામેલ છે.
આઈપીએલની 12મી સિઝન માટે સાત એવા ખેલાડીઓ છે જે પ્રથમવાર હરાજીમાં ઉતરવા જઈ રહ્યાં છે અને તેની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા છે. આ સાતેય ખેલાડી વિદેશી છે. 30 લાખ રૂપિયા બેઝ પ્રાઇઝમાં કુલ આઠ ખેલાડીની બોલી લાગશે. તે આઠમાંથી પાંચ ભારતીય અને ત્રણ વિદેશી છે. આ આઠ ખેલાડી પ્રથમવાર આઈપીએલની હરાજીમાં આવ્યા છે. 20 લાખ બેઝ પ્રાઇઝ ધરાવતા ખેલાડીઓની સંખ્યા 213 છે, જે પ્રથમવાર આઈપીએલની હરાજીમાં ઉતરશે. આ 213માં 196 ભારતીય અને 17 વિદેશી ખેલાડી છે.