IPL 2019માં આ 8 ખેલાડીઓ પર સિલેક્ટર્સની નજર, મળી શકે છે વિશ્વ કપની ટિકિટ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કેટલાક એવા ખેલાડી છે જેના પર ભારતીય પસંદગીકારોની નજર છે. જો આ ખેલાડીઓનું પ્રદર્શન ટી20 લીગમાં સારૂ રહ્યું તો તેને ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટની ટિકિટ મળી શકે છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ધમાલ વચ્ચે આવનારી ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ 'વર્લ્ડ કપ'ને કોણ ભૂલી શકે છે. તેના માટે હજુ સુધી ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત થઈ નથી. તમામ દેશોએ 23 એપ્રિલ સુધી ટીમની જાહેરાત કરવાની છે. અખિલ ભારતીય પસંદગી સમિતિ 15 એપ્રિલે વિશ્વ કપ માટે 15 સભ્યોવાળી ભારતીય ટીમની જાહેરાત કરવાના છે. જેના કારણે આઈપીએલના તે ખેલાડીઓ માટે તક જેવું છે જે પોતાની જગ્યા પાક્કી કરવા ઈચ્છે છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પહેલા કહી ચુક્યા છે કે, ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહેલા ખેલાડીઓ પર તેમની નજર છે. હાલના આઈપીએલમાં રમી રહેલા આ 8 ખેલાડીઓ વિશ્વ કપની ટીમમાં પોતાની જગ્યા બનાવી શકે છે.
અંબાતી રાયડૂ (ચેન્નઈ સુપર કિંગ્સ): અત્યાર સુધી 5 મેચોમાં 13.75ની એવરેજથી કુલ 55 રન બનાવ્યા છે. ટીમ માટે શેન વોટસનની સાથે ઓપન કરી રહેલા રાયડૂએ અત્યાર સુધી કોઈ કમાલ કર્યો નથી. તેના બેટથી અત્યાર સુધી સૌથી રન પંજાબ (21) વિરુદ્ધ આવ્યા હતા.
વિજય શંકર (સનરાઇઝર્સ હૈદરાબાદ): શરૂઆતી બે મેચમાં 30+ રન બાવ્યા બાદ આગામી ત્રણ મેચોમાં તે 9, 16, અને 5 રન પર આઉટ થઈ ગયો હતો. તેને બે મેચોમાં બોલિંગ પણ આપવામાં આવી છે, જેમાં તેણે 26 રન આપ્યા પરંતુ કોઈ સફળતા મળી નથી.
દિનેશ કાર્તિક (કોલકત્તા નાઇટ રાઇડર્સ): ડીકે વિકેટકીપર હોવાની સાથે-સાથે ટીમનો કેપ્ટન પણ છે. શરૂઆતી બે મુકાબલામાં સિંગલ ડિઝિટ સ્કોર કર્યા બાદ ત્રીજા મેચમાં તેણે સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. પરંતુ આરસીબી વિરુદ્ધ તે ફેલ રહ્યો હતો.
હાર્દિક પંડ્યા (મુંબઈ ઈન્ડિયન્સ): ઓલરાઉન્ડર પંડ્યા પાછળ ચાલી રહેલા વિવાદ બાદ જોરદાર વાપસી કરી ચુક્યો છે. સારી સ્ટ્રાઇક રેટ (178.94) અને બેટિંગ એવરેજ (34.00)ની સાથે તે મુંબઈની ટીમમાં ટોપ પર છે. સારા પ્રદર્શનને કારણે સીએસકે વિરુદ્ધ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેણે 8 બોલ પર 25 રન બનાવ્યા અને 20 રન આપીને 3 વિકેટ પણ ઝડપી હતી.
રિષભ પંત (દિલ્હી કેપિટલ્સ): મુંબઈ વિરુદ્ધ પ્રથમ મેચમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને 27 બોલમાં 78 રન ફટકાર્યા હતા. પરંતુ ત્યારબાદ તે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ વિકેટકીપિંગમાં તેણે કોઈ ફરિયાદની તક આપી નથી.
ઈશાંત શર્મા (દિલ્હી કેપિટલ્સ): વિશ્વ કપમાં શર્મા ભારતના ચોથા બોલરના રૂપમાં જગ્યા બનાવવા ઈચ્છે છે. અત્યાર સુધી તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. તેણે કુલ 12 ઓવર ફેંકી છે જેમાં 98 રન આપીને 4 વિકેટ ઝડપી છે.
કેએલ રાહુલ (કિંગ્સ ઈલેવન પંજાબ): ટીવી ચેટ શો પર થયેલા વિવાદ બાદ રમવા આવેલ રાહુલ પ્રથમ મેચમાં માત્ર ચાર બોલ રમીને આઉટ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ તેણે વાપતી કરી અને તે પંજાબ તરફથી રન બનાવવામાં બીજા સ્થાને છે. તે અત્યાર સુધી 36.50ની એવરેજથી 146 રન બનાવી ચુક્યો છે.
અંજ્કિય રહાણે (રાજસ્થાન રોયલ્સ): રહાણે 2015માં રમાયેલા વિશ્વ કપમાં ટીમનો સભ્ય હતો. કાર્તિકની જેમ રહાણે પર પણ ખુદ સારૂ પ્રદર્શન કરવાની સાથે રાજસ્થાન ટીમ પાસેથી સારૂ પ્રદર્શન કરાવવાનું પ્રેશર છે. પરંતુ 6 મેચોમાં માત્ર એક અડધી સદી દર્શાવે છે કે, તેણે ઈંગ્લેન્ડની ટિકિટ કપાવવા માટે ઘણું કરવાનું બાકી છે.