IPL 2019: કોલકત્તા નાઇટરાઇડર્સને લાગ્યો ઝટકો, શિવમ માવી અને કમલેશ નાગરકોટી બહાર
કમલેશ નાગરકોટીએ ઈજાને કારણે ગત સિઝન પણ ગુમાવી હતી. કેકેઆરે તેના સ્થાને સંદીપ વારિયરને ટીમમાં સામેલ કર્યો છે.
નવી દિલ્હીઃ બે વખતની આઈપીએલ ચેમ્પિયન કોલકત્તા નાઇટરાઇડર્સ (કેકેઆર)ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝન શરૂ થતા પહેલા મોટા ઝટકા લાગ્યા છે. ગત સિઝનમાં ટીમની સાથે શાનદાર પ્રદર્શન કરનારા યુવા ફાસ્ટ બોલર શિવમ માવી અને કમલેશ નાગરકોટી ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. નાગરકોટી ગત સિઝનમાં પણ બહાર હતો. શિવમ અને કમલેશ બંન્ને અન્ડર-19 વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય હતા. નાની ઉંમરમાં ઈજા ન માત્ર કેકેઆર પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ ચિંતાનો વિષય હોઈ શકે છે.
શાહરૂખ ખાન-જૂહી ચાવલાના માલિકી હકવાળી આ ટીમનો કેપ્ટન દિનેશ કાર્તિક છે. તેણે આઈપીએલની ગત સિઝનમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ બે મુખ્ય બોલરો ઈજાગ્રસ્ત થવાથી તેણે પોતાના પ્લાનમાં ફેરફાર કરવો પડી શકે છે. કોલકત્તા નાઇટરાઇડર્સે નાગરકોટીની જગ્યાએ સંદીપ વોરિયરને પોતાની ટીમમાં જોડ્યો છે. તે 2013-2015માં રોયલ ચેલેન્જર બેંગલુરૂ માટે રમી ચુક્યો છે. 2015 બાદ તે પ્રથમવાર આઈપીએલ રમશે.
Happy Birthday Cricket: આજે ફેંકવામાં આવ્યો હતો ક્રિકેટનો પ્રથમ બોલ
વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે કોલકત્તા નાઇટરાઇડર્સે કેરલના સંદીપ વોરિયરને પોતાની સાથે જોડ્યો છે. નાગરકોટી 2018ની સિઝનમાં પણ બહાર રહ્યો હતો. ત્યારે કોલકત્તાએ કર્ણાટકના પ્રસિદ્ધ કૃષ્ણાને પોતાની ટીમ સાથે જોડ્યો હતો. હવે તે ટીમનો નિયમિત સભ્ય બની ગયો છે. નાગરકોટી પીઠની ઈજામાંથી સ્વસ્થ થયો નથી. તેને ટીમે 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઈપીએલની આ સિઝન 23 માર્ચથી શરૂ થઈ રહી છે. કેકેઆરનો પ્રથમ મેચ 24 માર્ચે હૈદરાબાદ સામે છે. આ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની આયોજન સમિતિએ હજુ 5 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બાકીનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવશે.