જયપુરઃ આઈપીએલ 2019માં એકપણ મેચ જીતવામાં અસફળ રહેલી રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આજે (2 એપ્રિલ) અહીં એક-બીજાને પછાડીને ટૂર્નામેન્ટમાં જીતનું પોતાનું ખાતુ ખોલાવવાના ઈરાદાથી ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને ટીમોનું આઈપીએલમાં અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને પોતાના અભિયાનમાં નવા પ્રાણ ફૂંકવા માટે જીતની જરૂર છે. રોયલ્સની ટીમ મહત્વની ક્ષણે વિરોધી ટીમ પર શિકંજો કસવામાં નિષ્ફળ રહી છે. ત્રણેય મેચોમાં ટીમ સારી સ્થિતિમાં હતી પરંતુ તેનો ફાયદો ન ઉઠાવી શકી અને કિંગ્સ ઈલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. 


રવિવારે ચેન્નઈમાં રોયલ્સે સુપરકિંગ્સનો સ્કોર 3 વિકેટ પર 27 રન કરી દીધો હતો પરંતુ વિરોધી ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 46 બોલમાં અણનમ 75 રનની ઈનિંગ રમીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને મહેમાન ટીમ પર આઠ રનથી જીત મેળવવામાં સફળ રહી હતી. 


રોયલ્સની પાસે સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સ જેવા દિગ્ગજ ખેલાડી છે પરંતુ ટીમ આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં અસફળ રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રોયલ્સના બોલરોએ ડેથ ઓવરોમાં ઝડપથી રન બનાવવા દિધા હતા. રહાણે અને જોસ બટલરે તેના જવાબમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી પરંતુ તેમ છતાં ટીમ જીત મેળવવામાં નિષ્ફળ રહી હતી. 


સંજૂ સૈમસને આઈપીએલ 2019ની પ્રથમ સદી ફટકારી હતી. બટલર અને રહાણેએ કેટલિક સારી ઈનિંગ રમી છે જ્યારે સુપર કિંગ્સ વિરુદ્ધ રાહુલ ત્રિપાઠી 39 રનની ઈનિંગ દરમિયાન લયમાં દેખાયો પરંતુ સ્મિથ અને સ્ટોક્સ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. 


બીજીતરફ આરસીબીની ટીમ પણ ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત નોંધાવવાના ઈરાદા સાથે ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો કે રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ટીમની હાર સૌથી ખરાબ હારમાંથી એક છે. 


મહેમાન ટીમ પાસે ચોક્કસપણે એવા ખેલાડી છે જે રોયલ્સને પછાડી શકે છે. ટીમની પાસે કેપ્ટન વિરાટ કોહલી સિવાય એબી ડીવિલિયર્સ, પાર્થિવ પટેલ, મોઇન અલી અને શિમરોન હેટમાયર જેવા આક્રમક બેટ્સમેન છે પરંતુ તેમ છતાં ત્રણમાંથી બે મેચોમાં તેનો બેટિંગ ક્રમ નિષ્ફળ રહ્યો છે. બંન્ને ટીમોએ જયપુરમાં ગરમીનો પણ સામનો કરવો પડશે જ્યાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ચાલી રહ્યું છે. મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.