નવી દિલ્હી: આઈપીએલ 2022ની શરૂઆત ખુબ જ શાનદાર રહી. મુંબઈમાં રમાયેલી પહેલી મેચમાં KKRની ટીમે CSKની ટીમને 6 વિકેટે સંઘર્ષપૂર્ણ રીતે હાર આપી. આ મેચમાં સીએસકે ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની સિવાય કોઈ પણ બેટર ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. સીએસકે ટીમને કોલકાતા વિરુદ્ધની મેચમાં બે ધાકડ બેટ્સમેનોની કમી ખુબ જ મહેસૂસ થઈ. જો સીએસકે ટીમમાં ધાકડ ખેલાડી હોત તો આજે કેકેઆર વિરુદ્ધ ટીમની ફજેતી ના થઈ હોત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિલ ઓર્ડરની મજબૂત કડી હતો આ ખેલાડી
સુરેશ સૈના આઈપીએલની શરૂઆતથી જ ચેન્નાઈ સુપર કિંગ ટીમ સાથે જોડાયેલો હતો, પરંતુ મેગા ઓક્શનમાં રૈનાને સીએસકે ટીમે ખરીદ્યો નહોતો. જ્યારે રૈનાએ ટીમમાં નંબર ત્રણ પર બેટિંગ કરતા સીએસકેની ટીમને ઘણી મેચ જીતાડી હતી. કેકેઆર વિરુદ્ધ ચેન્નાઈનો ટોપ ઓર્ડર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં ચેન્નાઈની ટીમને રૈનાની કમી મહેસૂસ થઈ હતી. રૈના હંમેશાં ક્રીઝ પર ટકીને વિરોધી ટીમના છોતડા કાઢવામાં માહેર હતો. જેના કારણે રૈનાને મિસ્ટર આઈપીએલના નામથી જાણીતો થયો હતો. તે સીએસકે ટીમની બેટિંગ લાઈનઅપમાં મજબૂત કડી હતો. ટીમના જૂના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે રૈનાનો ખુબ જ સારો સંબંધ હતો. જો આજે રૈના સીએસકે ટીમમાં હોત, તો કેકેઆર વિરુદ્ધ કહાની કંઈક અલગ જ હોત.


ઓપનિંગ જોડી રહી બિલ્કુલ ફ્લોપ
આઈપીએલ 2021 ની ટ્રોફી સીએસકે ટીમે જીતી હતી. તેમાં સૌથી મોટું યોગદાન ચેન્નાઈ સુપર કિંગની ઓપનિંગ જોડીનું રહ્યું હતું. પરંતુ કેકેઆર વિરુદ્ધ સીએસકેની નવી ઓપનિંગ જોડી ટીમને મોટી શરૂઆત અપાવી શકી નહોતી. ઋતુરાજ ગાયકવાડ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે બીજો ઓપનર બેટ્સમેન ડેવોન કોનવે 8 બોલમાં 3 રન બનાવી શક્યો હતો. એવામાં ચેન્નાઈ સુપર કિંગને પોતાના પૂર્વ ઓપનર ફોફ ડુપ્લેસિસની કમી વર્તાઈ. તેણે ગત સીઝન સીએસકે માટે 16 મેચોમાં 634 રન બનાવ્યા. જ્યારે ઓપનિંગ જોડી સીએસકે ટીમને મજબૂત શરૂઆત અપાવી શકી નહોતી. ત્યારબાદ આવનાર તમામ બેટ્સમેનો પર દબાણ વધ્યું અને ચેન્નાઈની બેટિંગ લાઈનઅપ તાસના પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.


ચેન્નાઈ સુપર કિંગને મળી હાર
આઈપીએલ 2022ની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગને કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નાઈ તરફથી સૌથી વધુ મહેન્દ્રસિંહ ધોનીએ 38 બોલમાં 50 રન બનાવ્યા. પહેલા બેટિંગ કરતા સીએસકેની ટીમે 20 ઓવરમાં 131 રન બનાવ્યા હતા. ધોનીએ પોતાની ઈનિંગની શરૂઆત ખુબ જ ધીમી રીતે કરી, પરંતુ ડેથ ઓવર્સમાં વિસ્ફોટક બેટિંગ કરીન અડધી સદી ફટકારી હતી. ધોનીના કારણે સીએસકેની ટીમ એક સમ્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. કેકેઆરની ટીમમાં ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી અને બે વિકેટ ખેરવી. કોલકાતા ટીમે ટાર્ગેટ 18.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો. કેકેઆર માટે અજિંક્ય રહાણેએ સૌથી વધુ 44 રન ફટકાર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube